અલૌકિક પ્રેમકથા (ભાગ – ૧) – રાધા, રૂક્મણી અને મીરાની આધુનિક પ્રેમગાથા

 
 

મીરાં સુરત શહેરના એક વૈષ્ણવ પરીવારમાં જન્મી હતી અને પરિવારમાં સૌથી મોટી હતી તે પછી નાની એક બહેન અને તેનાથી નાના બે ભાઇ હતા. વૈષ્ણવ પરીવારમાં ઉછરેલ હોવાથી નાની ઉમરથી જ માતા પિતાના આદર્શ, નીતિ-નિયમો, શિસ્ત અને અનુશાશન હેઠળ મોટી થઇ હતી. વધુ અભ્યાસ માટે તેના પિતા એ તેને રાજકોટની એક કોલેજમાં ભણવા માટે મોકલી હતી. તે સમયે તેની નાની બહેન દસ ભણી આગળ અભ્યાસ કરતી ન હોવાથી તેના લગ્ન રાજકોટ નિવાસી એક યુવક જોડે થયા. જોત જોતામાં હોસ્ટેલ અને કોલેજ દિવસોની મજાની જીંદગી પસાર થવા લાગી અને મીરાં ટી.વાય બી.એ.માં આવી ગઇ હતી કયારેક તેમના જીજુ અને તેની નાની બહેન તેને મળવા આવતા હતા. એક વખત તેના જીજુ અને તેની બહેન તેને મળવા આવેલ ત્યારે મીરાંની એક બહેનપણીને મળવા તેનો ભાઇ શ્યામ આવેલ હતો. વાતો વાતોમાં એકબીજાની ઓળખાણ થતાં જાણ્વાં મળ્યું કે મીરાંના જીજું અને તેની બહેનપણી દુરના સંબંધી હતા. શ્યામ જયારે તેની હોસ્ટેલ પર તેની બહેનને મળવા આવતો ત્યારે મીરાં તેને કયારેક તેને મળતી અને કયારેક તેની બહેનની ખબર માટે તેની સાથે વાતચીત કરતી હતી.

 

શ્યામનો જન્મ જામનગરમાં રહેતા એક સામાન્ય વૈષ્ણવ પરીવારમાં થયો હતો. તેના માતાપિતા એક નાના ગામમાં રહેતા હતા અને શ્યામ અને તેનો નાનો ભાઇ પહેલેથી જ તેના કાકા કાકી જોડે જામનગરમાં રહેતા હતા અને શ્યામ પોતાની જીંદગીમાં ઇશ્વર પર નહીં પરંતું તેના પરીવારને જ સર્વસ્વ માનતો હતો. શ્યામ ત્યાં જ રહી સ્નાતક થયો હતો. અનુસ્નાતક અભ્યાસ અર્થે તે અમદાવાદ ગયો હતો અને હાલ તે રાજકોટમાં તાલીમ ઓફિસર તરીકે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. મીરાંને એ બધી વાતનો ખ્યાલ હતો તેમ છતાં શ્યામની પ્રમાણિક અને સરળ નિર્દોષ પ્રતિભા ઉપર તે વારી ગઈ હતી.

 

આમ પ્રેમની રેશમની દોરી ઉપર આજે પહેલી ગાંઠ વળી. મીરાં આજે ખુબ જ ખુશ હતી. બસ હવે તો મીરાંની આંખ સતત શ્યામની શોધમાં જ રહેતી હતી. કોલેજ, કેન્ટીન, લાઈબ્રેરી કે હોસ્ટેલ ગાર્ડનમાં મીરાં સતત તેની રાહ જોતી રહેતી હતી અને જયારે પણ તક મળે ત્યારે તેની સાથે વાતો કરવી હસવું કે મજાક – મશ્કરી કરવાનું તેને ગમતું હતું.

 

સ્નાતકના છેલ્લા વર્ષની પરીક્ષાને ત્રણેક માસ બાકી હતા. મીરાંએ વિચાર્યું કે પરીક્ષાબાદ કોલેજનો અભ્યાસ પૂરો થશે અને તેથી કોલેજે આવવાનું બંધ થતા તે સુરત પાછી ફરશે અને શ્યામને આટલી બિન્દાસ્ત રીતે વારંવાર મળવું મુશ્કેલ બનશે તેથી પરીક્ષા પહેલા જ હું તેને “પ્રપોઝ” કરી દઉં અને એક દિવસ મોકો જોઈને મીરાં એ શ્યામને પૂછ્યું “શ્યામ હું માની લઉં છું કે જેમ હું તને પ્રેમ કરું છું તેમ તું પણ મને ચાહે છે જો તું ખરેખર મને પ્રેમ કરતો હોય તો આપણે લગ્ન અંગે વિચારવાનો સમય હવે પાકી ગયો છે. હું આ બાબતે તારા સ્પષ્ટ અને નિખાલસ અભિપ્રાયને આવકારીશ.”

 

ઓચિંતા અણધાર્યા પ્રશ્નથી શ્યામ ઘડીભર મૂંઝાયો તરત જ સ્વસ્થ થઇ જવાબ આપ્યો “મીરાં એ વાત તું કેવી રીતે ભુલી ગઇ કે શ્યામ તો હમેશા રાધાનો હોય છે. તારી જ ફ્રેન્ડ અને તારી કોલેજમાં ભણતી રાધાને હું પ્રેમ કરૂ છું અને તેને જ મળવા માટે હું અહિં આવું છું જે કદાચ તને નહી જાણ હોય પણ મારી જીંદગીમાં જે રાધાનું સ્થાન તે સ્થાન હું તને કયારેય નહી આપી શકું. પ્રેમમાં ફકત એકબીજાને પાંમવું તેનું નામ પ્રેમ નથી તેનાથી પણ પરે છે એકબીજાને ખુશ જોવા. આપણી મિત્રતા અહિં સમાપ્ત નથી થતી પરંતું આપણે એક નવા સંબંધની શરૂઆત કરવાની છે. જે એક નવી મિત્રતાના સંબંધને કાયમ કરશે.” આટલું કહી સુર્યાસ્ત થવાને આરે બન્ને પોતપોતાના રસ્તે જવા છુટા પડયા.

 

***********

 
 

અલૌકિક પ્રેમકથા (ભાગ – ૨) – રાધા, રૂક્મણી અને મીરાની આધુનિક પ્રેમગાથા

 

આ બાજુ મીરાં અભ્યાસ પૂર્ણ કરી સુરત પોતાના ઘેર પરત ફરી હતી. ત્યાં તેના પિતાને એક દિવસે વિચાર આવ્યો કે તેની પુત્રી મીરાંનો અભ્યાસ હવે પૂરો થયો છે. ઉમરલાયક પણ થઇ ચુકી છે અને જો કોઈ સુપાત્ર શોધીને તેના હાથ પીળા કરી દઉં તો મારા ઉપરની એક મોટી જવાબદારી પૂરી થાય.

 

રવિવારની સવાર હતી. મિરાંના પપ્પા સવારના નાસ્તા માટે મીરાંની રાહ જોતા બેઠા હતા એવામાં મીરાં મોર્નિંગવોક પતાવીને ઘેર પાછી ફરી પિતા સાથે નાસ્તો કરવા બેઠી ત્યાં તેના પિતા બોલ્યા, “બેટા, તારો અભ્યાસ હવે પૂરો થઇ ગયો છે વળી તું હવે ઉમરલાયક પણ થઇ ચુકી છો તે સંજોગોમાં મને એમ લાગે છે કે હવે તારે લગ્ન અંગે કંઇક વિચારવું જોઈએ. ગઈકાલે તારા મામાનો જામનગર થી ફોન હતો. તેણે તારા માટે એક સુશીલ અને સંસ્કારી મુરતિયો શોધ્યો છે જે તેના ગાઢ પરિચયમાં છે અને હાલ તે અમેરીકામાં રહી મિકેનિકલ એન્જીનીયર તરીકે નોકરી કરતો તેજસ્વી યુવાન છે. તું વિચારી જો… હું તને આવતી કાલ સુધીનો સમય આપું છું. કાલે તું મને વિચારીને જવાબ આપજે અને તે પણ ધ્યાનથી વિચારજે કે આવો મુરતિયો વારંવાર મળવો મુશ્કેલ છે.”

 

આ સાંભળતા જ મીરાંનો ચહેરો ઉતરી ગયો. મુરતિયા તરીકે દર્શકનું નામ સાંભળતા જ જાણે સ્તંભ થઇ ગઇ છતાં શાંતિથી સાંભળી ચુપચાપ ઉભી થઇ ગઈ. બીજા દિવસની રાત્રિનું ભોજન પતાવી તેના પિતા અગાશી પર ઝૂલે હિચકતા હતા. તેણે મીરાંને બોલાવી અને પૂછ્યું “બેટા તે શું વિચાર્યું?” થોડીવાર મૌન ધારણ કર્યા પછી કોર્ટના પિંજરામાં આરોપીની જે મનોસ્થિતિ હોય તેવી મનોદશામાં મીરાંએ મોઢું ખોલ્યું “પપ્પા, એવી શું ઉતાવળ છે? હજુ માંડ મેં અભ્યાસ પૂરો કરી લીધો છે થોડો સમય થોભી જાઓ તો શું ખોટું છે?”

 

તેના પિતાએ કહ્યું “કબુલ છે મને લગ્ન મોડા કરીશું પરંતુ સગાઈ જાહેર થઇ જાય તો એક વાત ખીલે બંધાઈ જાય અને હું નિશ્ચિંત બની જાઉં.”

 

“એ સાચું પણ પપ્પા…………” મીરાં વાક્ય પૂરું ન કરી શકી.

 

કેમ અટકી ગઈ? શું બીજે ક્યાંય તારું ચક્કર ચાલે છે? જે હોય તે સ્પસ્ટ કહી દે. થોડા ઊંચા અને કડક સ્વરે તેના પિતાએ કહ્યું.

 

ના પપ્પા એવું કશું નથી પરંતું મને થોડો સમય આપો. કારણ કે હજું મેં લગ્ન માટે હજું કશું વિચારેલ નથી.

 

આ બાજુ વ્યગ્ર મીરાં પણ સુવા માટે પોતાના બેડરૂમમાં પ્રવેશી ઊંઘ માટે સતત કોશિશ કરતી મીરાં પથારીમાં પડ્યા પડ્યા ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ રડતી હતી. આખી રાત રડીને કલ્પાંત કરતી મીરાંની આંખ સુજીને લાલ થઇ ગઈ. આખી રાત પિતા કે પુત્રી બન્ને સુઈ ન શક્યા ને અનેક વિચારોના વમળમાં ફસાતા રહ્યા.

 

બીજે જ દિવસે સવારે પોતાના સાળાને ફોન કરી પોતે જામનગર જવા નીકળી ગયા. દર્શક અને તેનો પરિવાર છ એક માસ પહેલા જ સુરતમાં કોઈ લગ્નપ્રસંગમાં તેના પિતા અને મીરાંથી પરિચિત થયો હતો. બધી જ વાતચીત પછી બન્ને પક્ષે સગાઈ કરવાનું નક્કી કરી લીધું.

 

બીજે દિવસે સવારે મીરાં ના પિતા અને દર્શકના વડીલો સાથે મીરાંના લગ્નનું પાકું કરી પાછા ફર્યા. ઘડિયા લગ્ન લેવાયા. એક મંગલ દિવસે મહુર્ત નક્કી થયું અને સગા-સંબધીઓની હાજરી વચ્ચે લગ્ન ગોઠવાયા. નિશ્ચિત દિવસે જાન આવી સવારે ચાંદલા અને સાંજે લગ્ન થઇ પણ ગયા.

 

***********

 
 

અલૌકિક પ્રેમકથા (ભાગ – ૩) – રાધા, રૂક્મણી અને મીરાની આધુનિક પ્રેમગાથા

 

રાધાનો જન્મ જામનગર જીલ્લાના એક તાલુકામાં રહેતા સામાન્ય વૈષ્ણવ પરીવારમાં થયો હતો. આમ તો રાધા અને શ્યામ નાનપણ થી જ જાણતા હતા કારણ કે શ્યામના કાકી અને રાધાના મમ્મી નાનપણની સહેલીઓ હતી. જેથી રાધા અને શ્યામના નો પરીવાર એકબીજાના ઘરે આવતા જતા રહેતા હતા. સમય જતા રાધા ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટની એક હોસ્ટેલમાં પ્રવેશ મેળવે છે. જ્યારે શ્યામ તેના અનુસ્નાતક અભ્યાસ માટે અમદાવાદમાં રહેતો હોય છે અને ત્યાં એક સારી કંપનીમાં તાલીમ ઓફીસર તરીકે સેવા આપતો હોય છે અને શ્યામ તાલીમ માટે અલગ અલગ શહેરમાં ફરતો રહે છે.

 

આમ પણ છોકરો કે છોકરી જયારે ઉંમર લાયક થાય ત્યારે તેના માટે યોગ્ય પ્રાત્ર શોધવાની જરૂર પડે છે. તેમ શ્યામની સગાઇ માટે હવે છોકરી શોધવાની શરૂ કરવાની હતી અને શ્યામના કાકાને રાધા જેવી છોકરી શ્યામ માટે શોધતા હોય છે. જે વાત ની શ્યામ ને કોઇ આડકરી રીતે ખબર પડે છે. ત્યાં અચાંનક શ્યામને તે વાત ખબર પડે છે કે તેની મામાની દિકરી એટલે કે તેની પિતરાઇ બહેન રાધા સાથે જ ભણે છે. તો શ્યામ તેની બહેન સાથે વાત થાય છે અને રાધાની વિશેની બધી ખબર મેળવે છે. થોડા દિવસોમાં શ્યામ અમદાવાદ થી રાજકોટ તેની કંપનીમાં ટ્રાન્સફર લઇને આવી જાય છે જેથી તે કયારેક કયારેક રાધાને મળી શકે.

 

સમય ને સંજોગ થી રાધા અને શ્યામ એકબીજા ને કયારેક મળે તો કયારેક ફોન પર વાતો કરી લેતા અને કયારેક ફકત એકબીજાને જોવા માટે મહિના સુધી એકબીજાનો ઇન્તજાર કરતા અને તેમના આદિ પ્રેમ ને ઠંડક આપતા. કયારેક શરમાંતા શરમાંતા રાધા કહેતી કે બીજુ કંઇ નહી કર મારા માટે તો ચાલશે પણ જ્યારે તું જાન લઇને મારા ઘરે આવ ત્યારે બેન્ડ વાજાં સાથે આવજે મારે તારી સાથે પહેલીંવાર સમાજની સાક્ષીએ રાસ રમવો છે. તો કયારેક પતંગિયાની પાંખ જેવા નાજુક અને પાતળાં હોઠ ફફડાવતા શરમાતા રાધા બોલતી કે આપણા આ પ્રેમને કોણ સમજી શકશે. તારે તે બિલ્કુલ વિચારવાની જરૂર જ નથી. તું બસ આપણા પ્રેમની નૌકા ને કિનારે પહોચાડી દે બાકી હું જોઇ લઇશ. મીઠી મજાકનો લ્હાવો લેતા શ્યામે નિર્દોષભાવે જવાબ આપ્યો. સમય જતાં શ્યામના ઘરે થી તેના માટે છોકરી જોવા માટે કેવામાં આવતું પછી જયારે શ્યામ કોઇ છોકરી જોવા જાય તો ના પાડી આવે. આવું અનેક વખત બન્યું ત્યારે શ્યામ એક વખત બધી વાત તેના કાકાને કરે છે તો તેના કાકા કહે છે કે તારી પસંદગી થી હું ખુશ છું અને મારી પણ તે જ ઇચ્છા છે કે રાધા જ આ ઘરની વહું બનીને આવે પરંતું તેના માતા પિતાની હાં હોઇ તો મને કોઇ જ વાંધો નથી.

 

એક વખત શ્યામ જયારે નાનો હોય છે ત્યારે તે એક સપનું જુવે છે કે તેની માં એક અકસ્માતમાં દાઝી જાય છે અને તે સપનામાં રૂદન કરે છે ત્યાં જ તેની નિંદર ઉડે છે ને હકિકતમાં રડતો હોય છે. તેના એકાદ વર્ષમાં એવું બને પણ છે. જેમાં તેની માતાને ઇજા થાય છે પણ સમયસર સારવાર મળતા બચી જાય છે. જે સ્વપ્ન ને શ્યામ સમય જતા ભુલવા માગે છે. પરંતું રાધા શ્યામની જીંદગીમાં આવ્યા પછી બે-ત્રણ વખત તે એવું જ સ્વપન જુવે છે કે જેમાં રાધા પ્રેમ અગ્નિમાં શિવની સતી માફક જીવ ગુમાવે છે તે જોઇ તે ડરી જાય છે કે એવું કંઇ ન હોય આ બધા ડરથી ઉત્પન થતાં વિચારોની એક ભાવના છે જેને આપણે દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરતા હોય તેનાથી દુર થવાનો ડર છે બીજું કંઇ નથી.

 

એવામાં રાધા અને શ્યામની પ્રેમ કથાની જાણ બન્નેનાં પરીવારમાં પડે છે. તો રાધાના પપ્પાનો ગુસ્સો ધાણીફૂટે એમ ફૂટ્યો ગુસ્સાથી લાલઘુમ થઇ ગયેલો તેનો ચહેરો વિકૃત અને બિહામણો બની ગયો અને બોલ્યા ફિટકાર છે રાધાની પસંદગીને મને સ્વપ્ને પણ કલ્પના નહી કે રાધાની પસંદગી આટલી નિમ્નકક્ષાની હશે. કોલેજમાં ભણવા મોકલી એમાં પ્રેમ પણ થઇ ગયો? ‘મેળામાં મળ્યા અને મન મળી ગયું’ તે વાર્તામાં શોભે બેટા વાસ્તવિક જીવન કડવું સત્ય છે. તેણે બધું કહ્યું અને તેનું બધું કહેલું તું માની પણ ગઈ? એ તો રખડું છે. અરે હું ભિખારીને ત્યાં તારા લગ્ન કરીશ પણ તે શ્યામ જોડે તો કયારેય નહિં થાય. મને તે હરગીઝ મંઝુર નથી, તું કાન ખોલીને સાંભળી લેજે કે આપણા કુટુંબની પ્રતિષ્ઠા, પરંપરા અને અનુશાશન મુજબ તારા લગ્ન હું જ નક્કી કરીશ લોકો ભલે કહે કે Marriages are made in Heaven પણ આપણા પરિવારની પરંપરા મુજબ “Marriages are made on Earth and that too on Choice of Elders.” – રાધા ના પપ્પા એ બધું એક શ્વાસે બોલી ઊઠયા.

 

આ બાજુ શ્યામ રાધાના ઘેર ફોન કરે છે તો રાધા બે દિવસ દરમ્યાન બનેલી ઘટનાની બધી જ વાત કરે તે પહેલા અને કહ્યું કે તું હવે આ નંબર પરથી દરરોજ મારા ધરના ફોનમાં ફોન ન કરતો પણ કયારેક કયારેક કરતો રહેજે અને આ નંબર પરથી તો કયારેય પણ ન કરતો મારે ધરે જવાબ દેવો મુશ્કેલ પડી જાય છે. બધા પુછતા હોય છે કે કોન છે આ જે દરરોજ તને ફોન કરે છે તો મારે દરરોજ કંઇ ને કંઇ બહાના બતાવા પડે છે. તારા આ નંબર ઘરમાં બધાને ખબર છે. શ્યામ મને આ બધી જ વાતથી બહું જ ડર લાગે છે. ત્યાર બાદ રાધાની સગાઈ પોતાની સાથે ન કરવાના તેના પપ્પાનો નિર્ણય શ્યામને જણાવે છે અને કહે છે. શ્યામ આપણો પ્રેમ અતિ શુદ્ધ અને બિનશરતી છે. તેમ છતાં જો ઘરના બધા ને આમ જ મંજુર હોય તો તેમની સામે બાથ ભીડવી વ્યાજબી નથી અને મને નથી લાગતું કે આમા કાય અટલે કાય થવાનું હોય અને મને હવે રાય ના દાણા જેટલી પણ હવે કશે આશા નથી દેખાય રહી. તું પણ આ વાસ્ત્વિકતાને સ્વીકારી લે… પાયા વિનાની ખોટી ઇમારત ચણવી અને પછી પડી જાય તેના કરતા તો આપણે આ ઇમારત ચણી જ નહી તે જ બેસ્ટ વે છે. તો શ્યામના પગ નીચેની ધરતી સરકવા લાગી. તેના હોઠ અને જીભ સુકાવા લાગ્યા. થોડીવારે તેને પાણી પીધા બાદ તેણે પોતાની જાતને સંભાળી લીધી અને આંખોમાં છલકતા આત્મવિશ્વાસની ચમક સાથે શ્યામે ગંભીરતાથી કહ્યું. “રાધા તું તે ચિંતા છોડી દે, યોગ્ય સમયે યોગ્ય તક મળતા જ હું તારા પપ્પાને વાત કરી અને રાજીખુશીથી તેની સંમતી મેળવી લઈશ અને તેને પણ આપણા લગ્ન માટે મનાવી લઇશ.” અને મને તો ગિરનારના ડુંગર જેટલી અટલ આશા છે કે આપણા આ સંબંધ માટે બધા માની જાશે. મારે બસ આ બધી પરિસ્થીતી સામે લડવા માટે બસ ફકત તારો સાથ જોઇએ છે જયાં તું મારી જોડે ખંભે ખંભો મિલાવી ઉભી હોય નહી કે મારી પાછળ. તુ બસ હિંમત ન હારતી જે થશે તે આપણે બન્ને સાથે મળી ને જોઇ લઇશું.

 

શ્યામ આક્રોશમાં આવી રાધાને કહે છે “બોલ છે હિમત? આપણે ભાગીને લગ્ન કરી લઈએ”

 

તો રાધા બોલી શું કહ્યું? ભાગીને લગ્ન કરવા? એમ? આપણે પ્રેમ કર્યો છે ચોરી નહી. પિતાની આંખમાં ધૂળ નાખી પરિવારને તરછોડીને ભાગી જઇ કોર્ટ કચેરીમાં સહી કર્યાને ‘ભાગેડુ’ કહેવાય એ કાયરો નું કામ છે. જયારે આપણા બધા સગા સંબંધીઓ પણ એકબીજા થી પરીચીત છે તે બધા આપણા વિશે શુ વિચારશે? હું તો મારા પપ્પા જ્યાં કેશે ત્યાં જ લગ્ન કરીશ જો તે તારી સાથે કરાવશે તો તારી સાથે નહીંતર બીજા જોડે. પણ મને હવે કોઇપણ જ્ગ્યાએ થી રાયના દાણાં જેટલી પણ આશા નથી દેખાતી કે આપણા લગ્ન થાય માટે તું બીજી કોઇ સારી છોકરી શોધીને લગ્ન કરી લે. લગ્ન એટલે તું શું સમજે છે? લગ્ન એ બે આત્માનું પવિત્ર મીલન છે, બે વ્યક્તિ નહીં પણ બે પરિવારનું મીલન છે. પવિત્ર અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફરી હસ્તમેળાપ થાય અને વડીલો શુભાશિષ સાથે પાણિગ્રહણ કરાવે એને લગ્ન કહેવાય.

 

ત્યારે શ્યામને એવો અહેસાંસ થાય છે કે જે તેને સ્વપ્નમાં જોયું હતું તે સ્વપ્નની ખરી વાસ્તવીકતા તેને હવે તેને ઓછાવતા અંશે સમજાઇ રહી હતી કે જો તે રાધા સાથે લગ્ન કરશે તો બન્નેનાં પરિવારમાં તેની માઠી અસર થશે અને તેમના પરીવારના બધા સભ્યોના સંબંધોમાં તીરાડ પડી જશે જ્યારે હું એવું કયારેય પણ નથી ઇચ્છતો કે અમારે લીધે તે બધા સંબંધો તુટી જાય અને બધા એક્બીજાના શત્રુ બની જાય અને હું રાધાનો પ્રેમ પામીને પણ હારી જઇશ કારણ કે ત્યારે એવો સમય આવશે જ્યાં રાધા પોતાના દિલની વેદના ન તો તે મને કહી શકે કે મારા પરીવાર ને કહી શકે અને ન તો રાધા તેના પરીવારને પણ કહી શકે ત્યારે તે પ્રેમ અગ્નિમાં પોતાની જાતને હોમી દેશે.

 

શ્યામ વિચારે છે કે મેં કયારેય પણ ઈશ્વર ઉપર શ્રદ્ધા ન રાખી જેને લીધે આ બધું બની રહ્યું છે તેમ માને છે કે તેમાં ઈશ્વરનો જરૂર કોઈ ચાલ છે. મારો પ્રેમ અણીશુદ્ધ અને અગાધ છે તે સાચું પણ વડીલોની અમન્યા અને તેની ખુશી પાસે તે અવશ્ય વામણો છે. વડીલોની દુઆ અને તેમની બદુઆની અસર જિંદગીભર મેહસૂસ થયા વિના નથી રહેતી તેમનો પ્રેમ અમર છે અને અમર રહેશે. પણ મારા લીધે હું મારા પરીવારના સભ્યોના કોઇ પણ સંબંધોમાં કોઇપણ પ્રકારની આંચ નહી આવે કે જેથી તે બધા લોકો ને નીચે જોવું પડે. આમ પણ શ્યામ તો ભગવાન હતા છતાં તેને પણ કયાં તેના દિલની રાણી રાધા મળી હતી અને એક વાકય છે ને કે “At Some stage, you have to realise, that Some people, can Stay in your HEART, but not in your LIFE.” – આમ રાધાની વાતને સમર્પણ આપી ધીરજથી પારીવારીક નિર્ણય ને જ ઈશ્વરીય ન્યાયની સલાહ સ્વીકારી નિસ્તેજ અને ભગ્ન હૃદયે શ્યામ ફોન રાખી દે છે.

 

***********

 
 

અલૌકિક પ્રેમકથા (ભાગ – ૪) – રાધા, રૂક્મણી અને મીરાની આધુનિક પ્રેમગાથા

 

આમ અનેક દિવસો વિતી ગયા પણ શ્યામના વિરહ અને દુઃખનો ઘાવ હજુ તાજો જ હતો ભાંગી ચુકેલા શ્યામનો જીવનમાંથી રસ ઉડી ગયો હતો અને ભારે હૈયે અથાગ પ્રયાસો છતાં તે રાધાને કોઈ સંજોગોમાં ભૂલી શકતો ન હતો અને પોતાના દિલની લાગણીમાં થતા ફેરફારને સમજવામાં લાગી પડયો કે મારી સાથે આવું કેમ બન્યું કે મને જેને પ્રેમ કરે છે તેને હું ન મળ્યો અને જેને હું પ્રેમ કરૂ છુ તે મને ન મળી. આ તે પ્રકૃતિની કેવી સોગઠબાજી છે જે હું સમજી નથી શકતો. સમયના વહેણને હું કેમ બાંધી નથી શકતો?

 

હજી પણ રાધાની યાદના વમળો શ્યામના શાંત હ્રદયને વારંવાર બેચેન કરી રહ્યા હતા પરંતું શ્યામ શું કરે? નથી નફરત કરી શકતો કે નથી રાધા તરફ ઢળી શકતો માત્ર અને માત્ર નિશ્ચેતન બની કંઈ ન કરી શકવાનો ડોળ માત્ર કરી રહ્યો હતો. જો હું ચાહું તો તને મેળવવી શકયો હોત પણ પરીવારને ખોઇ બેઠો હોત. આમારો પ્રેમ વિશુધ્ધ છે અને મને ખાત્રી છે કે રાધા તે પણ તારા મનમંદિરના કોઈક ખૂણે મારી મૂર્તિ સ્થાપિત કરી હશે પરંતું એટલું યાદ રાખજે કે જો તું રાધા બની વિરહે છે તો આ શ્યામ પણ સદાકાળ તારી યાદમાં સતત નિસ્તેજ બની રહ્યો છે અને ભૌતિક સુખોની આંધળી દોડમાં ક્યાંક સમય જતાં બુઝાઈ જશે પરંતું એટલો વિશ્વાસ રાખજે કે મારો આવતો જન્મ તારી સાથે સપ્તપદીના સાત ફેરા ફરી સાત જન્મ સુધી તારી સાથે રહેશે. ક્યાંક મારાથી પહેલાં આ જગ છોડી ન જતી નહીતર મારી રાધાભક્તિમાં ખોટ વરતાશે.

 

જયારે માણસ હતાશા અને નિરાશાની ઊંડી ખાઇમાં ધકેલાઈ જાય છે ત્યારે તે ત્રણમાંથી કોઈ એક રસ્તો પસંદ કરે છે. 1) આત્મહત્યા 2) ગમ ભૂલવાના વ્યર્થ પ્રયાસ અથવા 3) આવેલ મુશ્કેલી સામે બાથ ભીડવાની હિમત અને મક્કમતા. ત્યાં તેની મુલાકાત એક અજનબી વ્યક્તિ સાથે થાય છે જે દેખાવમાં હતાં તો એક સામાન્ય માનવ પણ તે સામેવાળી વ્યક્તિના મન અને દિલની વાત વાંચી સંભળાવે જયારે શ્યામ તેને બીજી વાર મળે છે ત્યારે. તે શ્યામને તેની જીંદગીમાં બનેલી બધી જ વાત કહે છે જે સાંભળીને શ્યામ આશ્ચર્યથી અંચબિત થઇ જાય છે કે તમને કેવી રીતે મારી જીંદગીની દરેક વાત જાણી શકયા જે મેં અત્યાર સુધી કોઇ પણ વ્યક્તિ સાથે નથી કરી. ત્યારે તે કહે છે જે કુદરતની એક બક્ષીસ છે. જે રીતે મને દેખાય છે તે જ રીતે ઇશ્વરે શ્યામ તને પણ અત્યાર સુધી બધું જ સ્વપ્નમાં દેખાડયું છે જે સામાન્ય માનવી તેને કયારેય પણ જોય નથી શકયા તેનુ કારણ છે તારો રાધા પ્રત્યે નો સાચો પ્રેમ. તું ભલે ઇશ્વરમાં વિશ્વાસ ન રાખે પરંતુ ઇશ્વર પોતાના સંતાનો થી કયારેય દુર નથી હોતા બસ તમારે તેને દિલથી જોવા ની જરૂર હોય છે. જે રીતે સુર્ય પોતાનો પ્રકાશ કોઇ માટે વધારે કે ઓછો નથી આપતો તેમ ઇશ્વર પણ પોતાનો પ્રેમ બધાને આપે છે માટે તું તારી આ સોનેરી સ્મૃતીને સાચવી અને નવી દિશામાં આગળ વધજે અને તેને ડગલે ને પગલે સાંચુ માર્ગદર્શન આપતા રહ્યા.
,

 

શ્યામ ઇશ્વર વિના જે હિમત હારી ગયો હતો તે જ ઈશ્વર ઉપરની અતૂટ શ્રદ્ધાએ તેનામાં હિમતનો અજીબ સંચાર કર્યો તેણે નિરાશા ખંખેરી, જીવનમાં કંઈક કરી બતાવવાની ધૂન તેના મગજમાં સવાર થઇ ગઈ. શ્યામે વિચાર્યું કે જે માં નું ધાવણ ધાવી ખોળો ખૂંદીને પોતે કંઇક બની શક્યો તેના સ્વપ્નાઓને હજું પુરા કરવાના બાકી છે. જેને પોતાનું દિલ દઈ જીવનસાથી બનાવવા ઈચ્છી તે હવે મળી શકે તેમ નથી તો હવે અહીં મારું કોણ છે? હવે કોઇની પણ સાથે લગ્ન ન કરવા અને હવે કયારેય પણ જીંદગીમાં તે રાસ નહી રમે એવું વિચારી તેમને રાજકોટ ને પોતાની કર્મભુમી બનાવવાનું નક્કી કર્યું. “મહેનત, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ એ ત્રણેયનો ત્રિવેણી સંગમ જીવનમાં અણધાર્યો ચમત્કાર સર્જી શકે છે” શ્યામના જીવનમાંપણ એવુ જ કંઇક બન્યું. એકધારી સતત એકનિષ્ઠાથી કરેલી કામગીરી અને તેની હોશિયારીને કારણે માત્ર છ માસના ટૂંકાગાળામાં માનવ સંસાધન પ્રબંધક તરીકે નોકરી મળી.

 

શ્યામના પરીવારમાં તો ઠીક પણ તેમના અમુક સગાવહાલાઓ પણ જાણતા હતા કે શ્યામ રાધા વિના અધુરો છે. વખત જતા તેના લગ્ન ન કરવાના નિર્ણયને બદલવા માટે શ્યામને તેના પરીવારના બધા સમજાવતા. ત્યાં જોત જોતામાં એક દિવસ શ્યામના પરીવારીક ધંઘામાં એકાઉન્ટ સંભાળતા હતા તે શ્યામના કાકાને કહે છે કે તમારા ભત્રીજા માટે એક છોકરી છે જો તમારી ગણતરી હોય તો વાત આગળ વધારી. શ્યામ એક દિવસ રજાના દિવસે જામનગર જાય છે તો ત્યાં બધા તેને રુકમણી ને જોવા માટે મનાવી લે છે. પરીવારના બધા રુકમણીને જોવા માટે જાય છે અને બધાને રુકમણી ગમી જાય છે જયારે શ્યામને પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે કે તમને લોકોને જેમ ઠીંક લાગે તેમ કરો અને શ્યામ હા પાડી દે છે.

 

બીજા દિવસે શ્યામ પાછો રાજકોટ ફરે છે અને તે પછીના અઠ્ઠવાડીયામાં રુકમણીના ઘરના બધા શ્યામની ઘરે આવે છે ત્યારે સંગાઇનું નકકી કરી નાખે છે. બે-ત્રણ દિવસો પછી શ્યામ અને તેના કાકા ફોન પર વાતો કરતા હોય ત્યારે શ્યામની વાત પરથી એવું લાગે છે કે તે ખુશ નથી તો તેનાથી પુછાય જાય છે કે તું આ સંબંધ થી ખુશ તો છો ને? ત્યારે શ્યામ ફોન પર જ ધુસકે ધુસકે રડી પડે છે ત્યારે તેના કાકા પણ રડી પડે છે અને કહે છે બેટા હું પણ જાણું છું કે તું અને રાધા એકબીજાને અનહદ પ્રેમ કરો છો તે વાતની મને પણ બે-ત્રણ વર્ષ થી ખબર છે અને તેના માટે મેં રાધાના પિતા જોડે બે-ત્રણ વાર આંડકતરી રીતે વાત પણ ચલાવી હતી. પરંતું તેને કંઇ જવાબ આપ્યો નથી છતાં પણ હું હજુ એકવાર તેની સાથે વાત કરી તને જણાવું છું.

 

બીજા દિવસે શ્યામના કાકા રાધાના પપ્પા ને ફોન કરી કહે છે કે મારા દિકરાનું એક જગ્યા એ નક્કી કર્યું છે પણ તમને પણ ખબર છે કે છોકરાઓ એક્બીજાને પસંદ કરે છે તો આપણે તેઓના લગ્ન કરી દેવા જોઇએ. ત્યારે રાધાના પિતા કહે છે કે મારી કાલે પણ ના હતી અને આજે પણ ના જ છે તો મહેરબાની કરી હવે આ વાત કયારેય ન કરતા. શ્યામના કાકા શ્યામને ફોન કરીને કહ્યુ કે હું જાણતો હતો કે તેઓ જીદ્દી છે જે મારી વાત કયારેય નહી માને પણ તું તો મારી વાત માન અને આ નવા સંબંધને અપનાવી લે અને જુનુ બધુ ભુલી નવી જીંદગીની શરૂઆત કર.

 

થોડા સમયમાં શ્યામ અને રુકમણીની સગાઇ થઇ જાય છે અને છ મહિનામાં તેમના લગ્ન લેવાય જાય છે. સિનેમાના પરદા ઉપર જેમ પ્રેમથી લગ્ન સુધીની ઘટના ત્રણ કલાકમાં આટોપાય તેટલી ત્વરાથી ગૌધુલીક સમયે શ્યામ અને રુકમણીએ પતિ-પત્નિ રૂપે એકબીજાને વરમાળા પહેરાવે છે. ફટાકડા અને આતશબાજીથી વાતાવરણ ગાજી ઉઠયું.

 

લગ્નમંડપમાં મંગલ ગીતો ગવાઈ રહ્યાં હતા. વર-કન્યા સપ્તપદીના સાત ફેરા ફરી ચુક્યા હતા. સૂર્ય અસ્તાચળ તરફ ગતિમાન થઇ રહ્યો હતો. જાનની વિદાય આરંભાણી લગ્નની વાડીને દરવાજે નવપરણિત યુગલ આવી ઉભું હતું. વિદાયના મંત્રોચ્ચાર ઉચ્ચારાતા હતા અને હર હર મહાદેવની ગુજ સાથે ગાડીનું પૈડું સિંચાયું અને ગાડીમાં યુગલ રવાના થઇ ગયું.

 

બીજા છ મહીનામાં પસાર થતા રાધાના પણ લગ્ન રાજ જોડે થઇ જાય છે. ધારેલું ન મળવું મળતું ન ગમવું અને ગમતું ન ટકવું એ તો ઈશ્વરીય શતરંજની ખેલનો એક ભાગ છે. ભાવિના ગર્ભમાં શું છુપાયું છે. તેને આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

 

***********

 
 

અલૌકિક પ્રેમકથા (ભાગ – ૫) – રાધા, રૂક્મણી અને મીરાની આધુનિક પ્રેમગાથા

 

રુકમણીનો જન્મ સુરત જીલ્લામાં રહેતા પ્રણામી સપ્રદાયના પરીવારમાં થયો હતો. પરંતુ રુકમણી જયારે બાર વર્ષની હતી ત્યારે અચાનક તેના મમ્મીની તબીયત સારી ન રહેતા તે લોકો જામનગર આવી સ્થાયી થયા. રુકમણી તેમના વિવાહ પછી રાજકોટ આવી શ્યામ સાથે પોતાની જીંદગી જીવવા લાગી. જયારે શ્યામ અને રુકમણીની સગાઇ થઇ હતી ત્યારે શ્યામે રુકમણીને તેના રાધા પ્રત્યેના પહેલા પ્રેમની બધી વાતો કરી દીધી હતી. રુકમણી દેખાવે દેખાવડી, કાજળની અણી કાઢી આંજેલી મૃગ જેવી ચપળ ચંચળ આંખ, વટ વાળી, સોહામણી અને મોહક વ્યક્તિત્વ ધરાવતી હતી. રુકમણી પણ શ્યામનું દિલ જીતવા માટે તેની બનતી કોશીષ કરતી રહેતી હતી. પણ એવું બનતું નહિં અને કયારેક બન્ને વચ્ચે વાદ વિવાદ અને તકરાર થતી અને રુક્મણી નારાજ થઇ તેના પિયર જતી રહેતી હતી અને પાછા એકબીજા મનામણા કરી બીજા દિવસે પાછી આવી જતી.

 

ત્યારે શ્યામને લાગતું હતું કે રુકમણી એકલી આખો દિવસ ધરે રહે છે એટલે આવું થતું હશે. આમ થોડો સમય જતાં શ્યામને જામનગરમાં એક કંપનીમાંથી જોબ માટેની ઓફર આવે છે. ત્યારે શ્યામ એવું વિચારે છે કે તે ઘરથી નજીક રહેશે તો રુકમણીનો સમય પણ જતો રહેશે અને પોતે પણ આમ પરીવારથી દુર છેલ્લા પાંચેક વર્ષ થી રહે છે તો પરીવાર સાથે સમય કાઠી શક્શે અને નીરાંતે જીંદગી જીવી શકશે. આમ વિચારી તે જામનગરથી આવેલ ઓફર ને સ્વીકારી લે છે અને ફરી જામનગર પોતાના પરીવાર સાથે રહેવા લાગે છે.

 

થોડા દિવસ પસાર થતા પરીવારના બધા સભ્યો એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે જાય છે જયાં શ્યામની નજર ત્યાં આવેલ રાધા પર પડે છે અને રુકમણી શ્યામની સાથે જ હોવાથી તે પણ રાધાને ત્યાં પહેલીવાર જોવે છે. તે શ્યામની રાધા પ્રત્યેની નજર ને જોઇ સ્ત્બંધ થઇ જાય છે અને દિલમાં ઇર્ષા ઉત્પન્ન થાય છે કે મારો પતિ થયા પછી પણ જે નજરના પ્રેમ માટે હું તરસતી રહી તે મને ન મળ્યો અને તે આજ પણ રાધા માટે કાયમ છે. ત્યાંર પછી થોડા જ દિવસમાં બન્ને વચ્ચે કોઇ વાત થી તકરાર થાય છે અને બીજા દિવસે દેરાણી જેઠાણી એકબીજાની મસ્કરી કરતી હોય છે તેમા તેની વચ્ચે પણ તકરાર થાય છે. તેમા રુક્મણી રીસાઇ અચાનક કોઇને કિધા વિના તેના પિયર જતી રહે છે જ્યારે શ્યામ એવું વિચારે છે કે આવી જાશે એકાંદ દિવસમાં પાછી એમ કરતાં ત્રણ દિવસ વિતી ગયાં ત્યાં સુધી ફોન ન આવતા શ્યામ મુઝાય ગયો ને રુકમણી ને ફોન કરે છે તો રુકમણી એ કહ્યુ મારે તારી સાથે નથી રહેવું મારે છુટાછેડા જોઇએ છે.

 

ત્યાં અચાનક બીજા દિવસે મીરાંનો ફોન આવે છે કે દર્શક અને તે હવે સાથે નહી રહે અને છુટાછેડા માટે અરજી કરી દીધી છે અને તે એક માનસીક રોગનો પીડીત છે. શ્યામ તેને સમજાવે છે કે તું આ શુ બોલે છે તેનું ભાન છે તને ત્યારે મીરાં કહે હાં મને તેનું પુરેપુરૂ ભાન છે. હું તેની સાથે હવે વધારે નહી રહી શકું તેમ કહી ફોન રાખી દે છે. આમ તો મીરાં અને શ્યામ એકબીજા ના કોન્ટેકમાં જ હોય છે પણ આમ અચાનક વિસ્ફોટ થતાંં શ્યામ પણ વિચારે છે કે આ તે વળી કુદરતની કેવી લીલા છે. શ્યામ ત્યારે તેની નવી નોકરીમાં પણ પોતાનું મન દઇ કામ ન હતો કરી શક્તો કારણ હતું એકબાજું પોતાનું ધર અને બીજી બાજું તેની બેસ્ટ ફ્રેન્ડનું ઘર બચાવવું કેવી રીતે. તેથી તે દિવસે રુકમણી ફોન પર મનાવે અને રાત્રે મીરાં ને મનાવે કારણ કે ભારતમાં જયારે રાત્રી હોય ત્યારે ત્યાં દિવસ હોય આમને આમ એક મહીનો પસાર થઇ ગયો.

 

ત્યારે એક વાર મીરાં શ્યામને કહે છે કે આ જ સત્ય છે, ઈશ્વરીય શતરંજનો અધુરો રહેલ ખેલ અહીં પૂરો થયો. શ્યામે કહ્યુ મીરાં તને આ દશામાં જોતા મને વિશ્વાસ નથી બેસતો મીરાંએ જવાબ આપ્યો તું સાચો છે. જે થવાનું હતું તે થઇ ગયું હવે તને નથી લાગતું આપણે બન્ને એ ફરીથી એક થઇ જવું જોઇએ. કુદરત પણ આપણે એક મોકો આપતી હોય તેવું લાગે છે. ત્યાં શ્યામ કહે છે કે શાંત મીરા શાંત કુદરતની આ નવી રમતને આપણે કોઇ પણ સંજોગોમાં પાર તો પાડવી પડશે કારણ કે તે જમાનામાં શ્યામ ની પ્રેમીકા ભલે રાધા હતી પણ તેની પત્નિ તો રુકમણી જ હતી અત્યારે પણ એ જ થશે તું નિરાંતે કુદરતનો આ ખેલ નિહાળ અને કર્તા ન બન પણ કર્મ કર. બીજા દિવસે ફરી મીરાંનો ફોન આવે છે કે તે કોર્ટમાં પોતાનો છુટાછેડા માટેનો કેશ તો જીતી ગઇ પણ પોતાના ત્રણ વર્ષના સંતાનની ભરણ પોષણ માટે નો કેશ હારી ગઇ તેથી તેના સંતાન ને તેને પોતાના જુના પતિ ને સોપી દેવો પડશે.

 

ત્યાં બીજા પંદર દિવસ ગયા હશે ત્યાં રુકમણી અને શ્યામ ના સંબંધ ની વાત છુટાછેડા સુધી પહોંચી જાય છે અને બન્ને એક્બીજા ને બહાર કોઇને ખબર વિના છેલ્લી વાર મળે છે ત્યારે શ્યામ તેને સમજાવે છે કે તે હમેંશા પતિ તરીકેની પોતાની બધી જવાબદારી નિભાવતો હતો અને તેને વામાંગી (પત્નિ) તરીકેનું સ્થાન તો આપેલૂં જ છે. મારી એવી કયાં ભુલ છે કે તુ તારા પીયર જતી રહી. તો રુકમણી કહે છે કે તે હું પણ જાણૂ જ છુ કે તે મને એક પત્નિ તરીકેનો દરજ્જો તો આપેલ છે પણ તારી પ્રેમીકા તરીકે નહી. ત્યારે શ્યામ કહે છે કે માણસનો જન્મ એકવાર થાય છે. એકવાર તે કોઇનો પુત્ર કે પુત્રી બને છે. એકવાર તે કોઇનો પ્રેમી બને છે. એકવાર તે કોઇ ના પતિ-પત્નિ બને છે. એકવાર તે કોઇના માતા-પિતા બને છે અને એકવાર તે મૃત્યુ પામે છે. તો એકવાર મેં જેને પ્રેમીકા તરીકેનો સ્થાન આપી દીધું અને જે સમય પસાર થઇ ગયો છે તેને કેવી રીતે પાછો લાવી શકાય અને રુકમણી ઉભી થઈને શ્યામના પગમાં પડી ગઈ અને બોલી “શ્યામ મને માફ કર હું પાપી છું મને તારા પ્રેમ વિશે અનેક કુવિચાર આવ્યા હતા તું આટલો મહાન હોઈશ તેવી મને કલ્પનાપણ નહોતી સાચે જ તું જ મારો પુરુષોત્તમ છે, You are really Great, શ્યામ અને રુક્મણી તે દિવસ થી સાથે રહેવા લાગે છે.

 

જોત જોતામાં બે – અઢ્ઢી વર્ષનો સમય પસાર થઇ જાય છે. બધા પોત પોતાની જીદગીમાં વ્યસ્ત થઇ જાય છે. મીરાં તેના પુત્રને પાછો મેળવવા માટે હાઇકોર્ટમાં કેસ દાખલ કરે છે અને ત્યાં તેના માતા પિતાને બોલાવી લે છે. પોતે એકસાથે બે નોકરી કરવા લાગે છે ને સાથે સાથે તેના માતા પિતા સાથે સમય ગુજારવા લાગે છે અને તેને પર પરદેશમાં સારી નોકરી અપાવવામાં પ્રેરણા આપે છે. થોડાં જ સમયમાં પરદેશમાં પોતાનું ધર પગભર થઇને ખરીદે છે અને તે જ સમયમાં પોતાના દિકરાને પાછો મેળવવામાં સફળ થાય છે. આ સમયમાં તેની મુલાકાત એક ભારતીય યુવક નુતન જોડે થાય છે અને તેઓ થોડા જ સમયમાં લગ્ન કરે છે. આ જ સમય પર રાધા અને રાજને ત્યાં એક બાળકનો જન્મ થાય છે. બીજા ચારેક મહિનામાં રુકમણી અને શ્યામને ત્યાં પણ એક બાળકનો જન્મ થાય છે. ત્યાં ફરી સંજોગવસાહત રુકમણી અને શ્યામ રાજકોટ આવી જાય છે અને પોત પોતાની જીંદગી ત્રણેય દંપતિ તેમના લાડકા સંતાન સાથે શાંતિ થી પસાર કરવા લાગે છે.

 

***********

 
 

અલૌકિક પ્રેમકથા (ભાગ – ૬) – રાધા, રૂક્મણી અને મીરાની આધુનિક પ્રેમગાથા

 

સમય રાબેતા મુજબ ચાલી રહ્યો હતો પરંતુ શ્યામના દિલમાં હજું પણ એક સવાલ વારંવાર ઉઠ્ઠી રહ્યો હતો કે એવું તે શું કારણ છે કે મારે રાધા થી અલગ થવું પડયું ત્યાં થોડા સમયમાં તેને ઉંઘમાં ફરી તેના પ્રશ્નનો જવાબ મળે છે.

 

સોળમી સદીમાં ગુજરાતની રાજધાની અમદાવાદની ગાદીએ મુસ્લીમ સુલતાન પોતાની સત્તા મજબૂત કરવા સોરઠ તાબે કરવા ઘેરો ધાલ્યો હતો. જો કે ઘેરો ઘાલી કંટાળેલા કટ્ટરવાદી મુસ્લિમ બાદશાહે સોરઠની રૈયત પર જુલમ કરવાનું શરૂ કર્યું હતું.

 

મુસ્લીમ સુલતાન ની સેનાએ સોરઠના ગામડા લુંટવા સાથે ખેતરોના ઉભા મોલ અને લોકોની ઘરવખરી સળગાવવા સાથે પશુધન લુંટતી મુસ્લીમ સેનાને કોઈ રોકનાર ન હતું. જુલમી બાદશાહ તરીકે લોકો પર કાળો કેર વરસાવતા નિર્દોષ લોકોની નિર્દય હત્યા અને જુવાન સ્ત્રીઓને ઉઠાવી સૈનિકોને હવાલે કરવા જેવા અધમ અત્યાચારો કરતા સોરઠની પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી હતી.

 

સૌરાષ્ટ્રના આવેલ એક નાનકડા ગામમાં બાહ્મણ પરીવારમાં શ્યામ પોતાની જિંદગી શાંતિથી ગુજારતો હોય છે. બ્રાહ્મણ પરીવારમાં ઉછરેલ હોવાથી ફકત શિવ અને તેની ભક્તિમાં પુરો સમય ગુજારતો હોય છે. શ્યામ નો પરિવાર શ્રીમંત હોય છે અને સંયુક્ત પરીવારમાં બધા શાંતિ થી રહેતા હોય છે. ઘરના બધા જ સભ્યો મળતાવડા અને ઉદાર હતા. તેથી તેમને ત્યાં મહેમાનોની હમેંશા આવક જાવક રહેતી હતી. એક વાર તેના કાકીના બહેનની દિકરી રાધા થોડા સમય માટે મહેમાન ગતિ માટે આવે છે. ત્યાં રાધા અને શ્યામ એકબીજાને પહેલી વાર મળે છે અને એકબીજાને પોતાનું દિલ આપી બેસે છે. તેઓ એકબીજા જોડે લગ્ન બંધન થી બંધાવા માંગે છે પરંતું તેમના હૈયાની વાત પરિવારમાં કેવી રીતે કરવી તે માટે મુઝાંયેલ હોય છે.

 

એ સમય દરમ્યાન એક તહેવાર આવતા રીવાજ મુજબ ગામો ગામ વગર મુહુર્તના લગ્નો લેવાયા હતા, પરંતુ એ વખતે પોતાના ધરમાંથી નાનામોટા સૌ સગાવહાલાને ત્યાં લગ્ન પ્રસંગ માણવા બહારગામ ગયા હતા અને પુરૂષ લોકો ગામ લોકોના લગ્ન કરાવાં માટે ગયા હતા. તે દિવસ શ્યામ રાધાનો હિના સંજેલ હાથ પકડી ને એક રૂમમાં બેઠો બેઠો તેની પ્રેમ નૈકા સામે પાર કેવી રીતે પહોચાડવા માટે વાતો કરી રહ્યો હતો.

 

ત્યારે સોરઠમાં જુદીજુદી જગ્યાએ છાવણી નાંખીને પડેલ મુસ્લીમ સુલતાનની સેનાના એક સરદાર ને તેના ખબરીએ ગામના મોટા ભાગના લોકો લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હોવાના સમાચાર આપ્યા હતા. ગામ લુંટવાનો અચાનક મોકો હાથ લાગતા મુસ્લીમ સુલતાનના સેનાપતિએ મુસ્લિમ સેના લઈ આક્રમણ કરતા જુલ્મી સૈનિકો ને લુંટફાટ કરવા છુટો દોર આપી હતી.

 

મુસ્લીમ સુલતાનના સૈનિકોએ લોકોની માલમત્તા લુંટવા સાથે પોતાના સરદારના આદેશથી ગામની દિકરીઓને પકડી જતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. થોડી વારમાં મુસ્લીમ સુલતાનના સૌનિકો શ્યામના ધર ઉપર આક્રમણ કરે છે. શ્યામના ઘરના આગળના ભાગમાં પાંચ-સાત ફુટ ઉંચી દિવાલોને તોડતા સૌનિકોના અવાજ થી શ્યામ અને રાધા રૂમની બહાર નિકળે છે. ત્યાં શ્યામના કાકી આવીને રાધાનો હાથ પકડી ડાબી બાજુના દરવાજે થી બહાર ભાગી જાય છે અને શ્યામ પણ પોતાનો જીવ બચાવતો જમણી બાજુની દિવાલ ઠેકી બહાર ભાગી જાય છે.

 

મુસ્લીમ સેના આડે જે કોઈ આવ્યા તેને તલવારના ઝાટકે દઈ લુંટ ચલાવી વિજયના ઉન્માદમાં મુસ્લીમ સેના ગાંડી થઈ હતી, તો કેટલાક મુસ્લીમ સૈનિકો નફ્ફટ થઈ સ્ત્રીઓ ઉપર જુલમ આચરી રહ્યા હતા.

 

આ બાજુ શ્યામ પોતાનો જીવ બચાવા આમતેમ ભાંગતો ભાંગતો હીબકે ચડી એક વાડીમાં જઇને છુપાય જાય છે. ત્યાં બે દિવસ સુધી ભુખ્યો ને તરસ્યો પડયો રહે છે. ત્રીજા દિવસે તેને લાગે છે કે હવે ગામમાં શાંતિ થઇ ગઇ હશે તેમ વિચારી તે પોતના ગામમાં પરત ફરી પોતાના ઘરે આવે છે ત્યાં તેને ખબર પડે છે તેના કાકી રાધાને લઇ બાજુના ગામમાં રહેતા તેના પિયરમાં ચાલ્યા ગયા છે. બધા લોકો ભગવાન શિવનો આભાર માનતા હોય છે કે ભલે મુસ્લીમ સૌનિકોએ ઘરની બધી ચીજવસ્તુઓની તોડફોડ કરી પરંતુ ઘરના બધા સભ્યો તો સહી સલામત છે.

 

શ્યામ અને રાધાને એકબીજા સાથે જોતા જ શ્યામના કાકીને તેની જાણ થઇ જાય છે કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. આ બાજું શ્યામ પોતાના દિલની વાત આવા માહોલમાં ઘરમાં લોકોને કેવી રીતે કહેવી તે દ્રિધામાં હોય છે. શ્યામ પણ જાણતો હોય છે કે ઘરમાં અત્યારે ફકત તેના કાકી જ તેના દિલની લાગણી સમજી શકશે કારણકે તે અમારા પ્રેમ વિશે જાણે છે. તેથી શ્યામ તેના કાકી ને જણાવે છે કે તમે ગમે તેમ કરી આપણા ઘરમાં અને રાધાના ઘરમાં મારા અને રાધાના લગ્ન માટે વાત કરો. ત્યારે શ્યામ ના કાકી તેને આશ્વાશન આપે છે કે તે તેના લગ્ન રાશા જોડે કરાવામાં મદદ કરશે.

 

શ્યામ તે વાત થી ખુશ હોય છે કે કોઇ તો છે જે આ વાત ઘરમાં બધા વ્યક્તિને કરી શકે એવું અને આમ ને આમ વિરહની યાદોમાં એક વર્ષ વિતી જાય છે. પરંતુ તેના લગ્ન રાધા જોડે થાય તેવા કોઇ ઇંધાણ દેખાતા નથી. બીજી બાજું શ્યામના ઘરના બીજા સભ્યો શ્યામ ના લગ્ન કરવા માટે ઉતાવળ કરે છે. આ બાજું શ્યામ પોતાની વિરહ અગ્નિમાં પોતાના ઇશ્ક ની ભક્તિને તપાવે છે અને આખરે એક દિવસ હારી બીજી જગ્યાએ પરિવારની ખુશી માટે લગ્ન કરવા હા પાડી આપે છે અને રુકમણી અને શ્યામના લગ્ન થઇ જાય છે અને થોડા સમયમાં રાધાના પણ લગ્ન બીજા જોડે થઇ જાય છે. પરંતું શ્યામ તેના દિલમાં રાજ કરતી રાધાની યાદમાં વિચારે છે કે આ જન્મમાં નહીં તો આવતે જન્મ અમે ફરી મળશું અને અમારા અધુરાં ઇશ્ક્ને પૂર્ણ કરવાની તૃષણામાં પોતાની જિંદગી ગુજારી દે છે.

 

***********

 

મિત્રો, પહેલા પ્રેમની પહેલી કહાની હજું પણ અધુરી છે. હવે તમારે અહિં તે અધુરી કહાની કમેન્ટ બોક્ષમાં પુરી કરવાની છે કે આ બધાના દિલમાં હાલમાં શુ ચાલી રહ્યુ હશે અને કાળમાં સમાયેલને કોણ શું પામી શકશે અને શુ નહી પામી શકે!!!

 

ભુતકાળમાંં એવું તે શું બની ગયુ કે જેથી આ પ્રેમગાથા અધુરી રહી ગઇ હશે. કોને એવી મોટી ભુલ કરીને આ પ્રેમગાથા ને અધુરી રાખી દીધી હશે? અને કોને આ પ્રેમગાથાને પુરી કરાવવામાં માટે પોતાનું બધું જ ગુમાવ્યુ હશે?

 

હાં પરંતુ તે જવાબ દિલથી આપજો કારણ કે આ એક લાગણી થી ભીંની આજના યુગના રાધા, રૂક્મણી અને મીરાની પ્રેમકથા છે જયાં મનના ઉદભવેલ વિચારોને કોઇ જ સ્થાન નથી.

 

😊 😊 😊