ત્યાં જ શરૂ થાય છે વિધિઓની પરંપરા. જિષા દિવ્યેશ ને વરમાળા પહેરાવવા માટે આવી પહોંચે છે. દિવ્યેશ અને તેના મિત્રો થોડી ધિંગા-મસ્તી કરે છે અને પછી થોડી જ વારમાં દિવ્યેશ પણ શાંત થઇ જઇને જિષા ના આગમન ની રાહ જોતો મંડપમાં સ્ટેજ ઉપર બેઠો હોય છે. ત્યારે તેને પણ આ બધી કોઇ વિધિઓમાં રસ નથી પડતો તેને તો જિષા ના આગમન નો ઇન્તજાર હોય છે કે કયારે જિષા દુલહન બની ને બહાર આવે. પરંતુ તે દિવસે તો થોડીવાર માટે તે પોતાની સઘળી ચંચળતા રોકીને તે પણ શાંત થઇને બેસી ને જિષા ની રાહ જોતો હોય છે. તેના માટે પણ તે સ્ટેજ, તે જગ્યા કંઇ અજાણ્યા તો ન જ હતા? જિષા ની સાથે જ તેણે પણ એ જ સ્ટેજ પર અનેક કાર્યક્રમો કર્યા હતા. પરંતુ ત્યારે તેને તો બસ ગોર મહારાજ કયારે કન્યા પધરાવો સાવધાન કહે તેની ઇન્તજાર હોય તેવુ લાગતુ હતુ.
બધી જ જગ્યા એ લગ્ન માં ગોર મહારાજ સાવધાન કેમ કહેતા હશે? તેની તો ખબર પણ નથી. પરંતુ તેની પાછળ નુ કોઇ પણ કારણ તો જરૂરથી હોવું જ જોઇએ. કેમ ત્યારે વળી શેનાથી સાવધાન થવાનુ? લગ્ન પછી આવતી ઘર માટેની બધી જવાબદારીઓથી? કે પછી વર-વધુએ એકબીજાથી? કે કન્યા હવે આવે છે તેની જાણ બધી મંડપ નીચે બેઠેલી વ્યકતી ને થાય અને બધા શાંત બની જાય તેના માટે સાવધાન કહેવામા આવે છે. કે હવે બધી મજાક મસ્તી ને બંધ કરવા માટે કહેવામા આવે છે… જે પણ કારણ હોય તે. પરંતુ હવે તો આ પલના અંતે દિવ્યેશના અને બધાના ઇંતજાર નો અંત આવ્યો હોય તેવુ લાગતુ હતુ.
હિમાશુ સાથે જિષા ધીમા પગલે મંડપ નીચે આવે છે અને માંડવો જાણે કે ઝગમગી ઉઠયો. મંડપમાં પણ જાણે કે એક પફુલ્લીત ચૈતન્ય નો પ્રકાશ થયો અને તેમાં પણ જાણે કે પ્રાણ આવ્યા હોય. અત્યાર સુધી ઝાંખી લાગતી વિધિઓઁમાં પણ અચાનક રાત્રી ના ચંદ્ર ની શીતળ ચાંદની પડતા તે પણ અચાનક જ જાણે કે ઝળહળી રહી ઉઠી હોય તેમ લાગ્તુ હતુ. ગીતો ની ધીરે ધીરે રજૂઆત તો અવિરત પણે ચાલુ જ હતી. કિશન ના ફૈબાએ તે દિવસે એટલા બધા બુલંદ અવાજે ગીતો ગાતા હતા કે જેથી ગાયિકાઓને ખાસ બોલાવવામાં આવી હતી તે પણ ત્યારે તેની પાસે ઝાંખી પડી રહિ હતી તેવુ લાગી રહ્યુ હતુ.
કન્યાદાનની વિધિ ચાલતી હતી. ત્યારે કિશન વિચારતો હતો કે દીકરી કંઇ થોડી કોઇ વસ્તુ છે કે જેનું દાન કરી શકાય? તેનો અર્થ સમજાવા માટે કિશન વિચારી રહ્યો હતો. પરંતુ તેનો અર્થ હવે સમજાય છે કે દીકરી એક કુદરત ની અણમોલ ભેટ છે. દુનિયા નો કોઇ વ્યકતી ગમે એટલો ધનવાન કેમ ન હોય પરંતુ દીકરી ને તો એ કયારેય પણ પૈસાથી ખરીદી તો નથી જ શકતો. દીકરી ને તો તે માત્ર દાન તરીકે જ સ્વીકારી શકે છે. પુત્રીના મા-બાપ દિકરી નુ દાન આપનારા છે અને બીજી બાજુ તેઓ દાન લેનારા હોય છે. તેઓએ ભલે પોતાની આખી જીદગીમાં બીજા કોઇ ની પણ પાસે પોતાના હાથ લાંબો ન કર્યો હોય. પરંતુ ત્યારે તો તેઓ એ પણ લાંબો હાથ કરીને દીકરીનું દાન માંગવુ જ પડે છે. દિકરીઓ તો આવી અણમોલ હોય છે અને આવુ અણમોલ દાન લેવા માટે સાજન-માજન સાથે કન્યાને ઘેર આવી ને બધાની સાક્ષીમાં તેનો હાથ લંબાવવી ને માંગવો પડે છે. ત્યારે જ દિકરીના માતા-પિતા પરમ વિશ્વાસ પોતાની દિકરીનો હાથ તેના હાથમાં સોંપે છે. જે દિકરી ને જેમને એકવીસ વર્ષ સુધી પાળી-પોષી ને મોટી કરી હોય છે તે પોતાના કાળજાના કટકાને તેઓ શ્રધ્ધા અને વિશ્વાસ થી બીજા કોઇ ના હાથ માં સોપી દે છે અને કહે છે કે બેટા, આની સંભાળ રાખવાની જવાબદારી આજથી હુ તને સોંપુ છું તેથી હવે તુ જો જે કે મારી દિકરી ના દિલ ની લાગણી કયારેય ન દુભાય એનો ખ્યાલ રાખજે અને હમેંશા તેને ખુશ રાખજે.
જો આમ જોઇએ તો આવી ભાવના તદન સાચી જ હોય તો. આપનારનું સ્થાન હમેશા સમાજ માં ઉંચુ રહેતુ હોય છે. જયારે દાન લેનારનું સ્થાન બીજા નંબરે આવતુ હોય છે. પરંતુ આપણા સમાજમાં તો તેનુ ઉંધુ જ ચિત્ર વારંમવાર કેમ જોવા મળતુ હોય છે તેની ખબર હજુ પણ નથી પડતી.
મજાક અને મસ્તી પણ ચાલી રહ્યા હતા. કિશન ના ફૈબા પણ આરામથી ગીતો ગાવા માં મશગુલ હતા. જો કે દિવ્યેશ ને પહેલે થી જ પૂછયુ હતું… કે તમારા માંથી કોઇને કંઇ પણ ખોટું તો નહીં લાગે ને? તો જ ફટાણા ગાઇએ, ત્યારે દિવ્યેશે પણ કહ્યું હતું, “ના… ના… કોઇને ખોટું નહિ લાગે… અહિં તેવા કોઇ માણસો નથી કે જેમને કંઇ પણ ખોટુ લાગે. તેઓ પણ ઘડી બે ઘડી મજાક મસ્તી માં માને છે. તમ તમારે જે મન માં આવે તેવા ગીતો ગાજો” ને કિશન ના ફૈબા આવી છૂટ મળતા એ પણ આવો મોકો થોડો મૂકે તેમ હતા?
“પાણા ( પથ્થર ) એટલા સાસરિયા વાળા… અને માણા( માણસ ) એટલા પિયરિયા વાળા”
સાથે સાથે હાસ્યના છોળાઓ વચ્ચે વિધિ તો અવિરત પણે ચાલી જ રહી હતી… દિવ્યેશના ઘરના પણ તેઓ ના ફટાણા નો જવાબ આપવા માટે કંઇ પાછા પડે તેમ તો ના જ હતા. કંઇ ને કંઇ ગાઇને જવાબ તો આપતા જ હતા… પણ કિશન ના ફૈબાનો બુલંદ અવાજ તે લોકો ના અવાજ ને સાંભળવા થોડા દે?
બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે પવિત્ર અગ્નિની સાક્ષી માનીને સાત મંગળ ફેરા ફરવાની વિધિ પણ આમ ને આમ જ પૂરી થઇ રહિ હતી. ચોરી ના આ ચાર ફેરામાં પતિ-પત્નિ એ એકરૂપ થઇને એકબીજા નો સાથ નિભાવવા માટે કોલ આપ્યા. સપ્તપદીના સાત વચનો બ્રાહ્મણ હસી મજાક સાથે સંભળાવતા હતા. હિમાશુ નો પણ તે દિવસે સૂટમાં જાણે કે વટ પડતો હતો તેવુ લાગતુ હતુ. બહેનને ફેરા ફેરવીને જાણે કેવડી મોટી જવાબદારી નિભાવી રહ્યો હોય કે પછી કેવડી મોટી જવાબદારી તેના માથા પર આવી ગઇ હોય તેમ જાણે એ ગંભીર બનીને ફરતો હતો જાણે કે અચાનક પોતે તેનો મોટો ભાઇ થઇ ગયો હોય તેવું કદાચ તે મન માં ને મન માં અનુભવી રહ્યો હોય તેમ લાગતુ હતુ. જેની સાથે નાનપણ થી હસી મજાક કરતો હતો, જેની સાથે ખુબ જ ધમાલ મસ્તી કરતો હતો, જેની સાથે તે લડતો ઝગડતો હતો અને કયારેક કયારેક આખી આખી રાતો જાગી ને જેની સાથે વાતો ના ગપ્પા મારતો હતો. જે બહેને તેને કયારેક ખોળામાં બેસાડી ને ખવડાવતી હતી. તે બહેન જયારે સાસરે જઇ રહિ હતી ત્યારે એ તો સ્વાભાવિક જ છે કે તે મૌન બની ગયો હોય.
જોત જોતામાં જ ફેરા પૂરા થતાં… “હવે લાડી થઇ અમારી રે…”
સ્વાભાવિક રીતે હવે તો સાસરાવાળા પણ ફુલ જોશમાં આવી જ જાય ને? તેથી તે ગીત તેઓ મોટે મોટે થી ગાઇ ઉઠયા હતા અને ત્યારે દિવ્યેશે મંગળસૂત્ર જિષા ના ગળામાં પહેરાવ્યું. ત્યારે, તેની આગળ જિષા ના બધા દાગીના જાણે કે ફિક્કા અને નિસ્તેજ પડી ગયા હોય તેવુ લાગતુ હતુ તેના મોતી સાચા હીરાની જેમ ચળકી રહ્યા હોય તેમ લાગતુ હતુ.
મંગળસૂત્ર હકીકતે હિન્દુ ધર્મ ના લગ્ન નુ એક પ્રતીક છે કે જે છોકરો તેમની પત્નિ ને પહેરાવીને છોકરો સ્વીકાર કરે છે કે આજથી તેની બધી જ રીતે રક્ષાની જવાબદારી હવે તેમની પોતાની છે અને ત્યારે છોકરી પણ એનું જીદગીભર ગૌરવ જાળવી રાખવાની ભાવના નો સ્વીકારે છે, માંગ ભરાય છે, એ ચપટીભર સિંદૂર આગળ ત્યારે કપાળમાં ઝગમગી રહેલ સુંદર બિંદી પણ કેવી ફિક્કી અને નિસ્તેજ પડતી હોય છે! અને વળી એમાં સમાયેલી ભાવનાની ભીનાશને લીધે તે તો તેનો ચહેરો જાણે કે વધુ દેદીપ્યમાન બની જાય છે. આમ પણ જો આપણે જોઇએ તો જીવનમાં ભાવનાની ભીનાશના તોલે તો બીજું કંઇ પણ ન આવી શકે.
હસીં-મજાક, મસ્તી તેમજ ગીતોની રમઝટ વચ્ચે વર-વધુ ને કંસાર પણ જમાડવામા આવે છે. વડીલોને પગે લાગી તેમના આશીર્વાદ લેવાતા હોય છે. રાધા તો ત્યાર થી જ એક ખૂણામાં ઉભી રહિને પોતાની આંખો ના આંસુ લૂછતી હોય છે. જમણવાર ચાલુ થાય છે ત્યારે રાધા ને તો શું જમવું તેનું ભાન પણ નથી રહ્યું હોતુ. છતા પણ તે જિષા અને દિવ્યેશને મુખ માં કોળિયા ભરાવતી જતી હતી અને આંખ માંથી આંસુ પાડી રહિ હતી.
ચંદ્ર ની ચાંદની થી રાત પણ ત્યારે સોળે કળાએ ખીલી ઉઠી હોય એવુ લાગતુ હતુ અને ત્યાજ વિદાયવેળા પણ આવી પહોંચી તેની ખબર પણ ન રહિ. જિષા ની આંખો તો જાણે કે આંસુઓ ના સંમુદ્ર થી છલકાય રહિ હતી. ત્યારે કિશને પણ વહાલથી છલકતી આંખે દીકરીને ભેટી થોડું મુખ મલકાવીને તેના મનને મક્કમ કર્યુ જેથી કરીને તેની દીકરી વધુ રડે નહી. તે ક્ષણનો ભાર ઝિલવો એતો કિશન માટે પણ ધણો કઠિન હતો? પરંતુ કોઇએ કહ્યુ છે ને કે પુરુષના અહમ ને માત્ર કદાચ તેની દીકરી જ ઓગાળી શકે છે તે એકદમ સાચુ જ કહ્યુ છે. ભગવાન પણ દીકરી ના વિદાયની એ નાજુક ક્ષણ માટે પિતાને ત્યારે થોડીવાર માટે એક માતૃત્વ બક્ષીસ અર્પણ કરે છે. કિશન ના કોઇ પણ શબ્દ વિના તેના આશિષો જિષા પર જાણે વરસી રહ્યા હોય તેવુ લાગતુ હોય છે. ત્યારે હિમાશું પણ આસુંભરી આંખે જિષા ની સામે જોઇ રહે છે અને તેની બહેન ને હેતથી ભેટી પડે છે.
તે સમયે કોઇ પાસે બોલવા માટે કોઇ શબ્દ રહ્યા હતા અને સાથે સાથે વળી શરણાઇના કરૂણ સૂરો રેલાઇ રહ્યા છે જે વાતાવરણને અતિ કરુણ બનાવી રહ્યુ હોય છે. ત્યા જ વળી પૈય સીંચવાની વિધિ શરૂ થાય છે તેનો અર્થ શું હશે એ તો પૂરી કદાચ કોઇને ખબર પણ નહિ હોય. પરંતુ કદાચ તેનુ કારણ તે હોય છે કે ત્રણ દિવસ સુધી તેના પર ઘાત રહેતી હોય છે જે લગ્ન ના બિજા દિવસે પુરી થાય છે અને બીજુ એ કે તેમની દીકરીને સહીસલામત પોતાના ઘરે પહોંચી જાય તે ભાવનાના પ્રતીકરૂપે ગાડીના પૈડાની પૂજા કરવામાં આવતી હોય છે. મેઘરાજા પણ જાણે વિદાય લેતી પુત્રીને આશીર્વાદ આપતા માટે ત્યારે આવી પહોંચીયા હોય તેમ વરસાદના છાંટા નુ અમૃત છાંટી ને જાણે કે કોઇ શુકન કરી રહ્યા હોય તેમ લાગતુ હોય છે.
ત્યાં જ થોડીવાર માં કાર માં બેસી ને કિશન ની દીકરી દિવ્યેશ લઇ જાય છે તેમના ઘેર!!! ત્યારે બધા બસ ખાલી હાથે આંસુ ભરેલી તેમની આંખે અને વ્યાકુળ હૈયે ખાલી રસ્તાને પણ તેની રાહ નીરખતા ઉભા રહી ગયા હોય છે જાણે કે તેમની દિકરી ફરી પાછી હમાણા જ પરત આવવા ની હોય.
શકુંતલાને વિદાય આપતી વેળાએ જો કણ્વ જેવા ઋષિમુની ની આંખો પણ આંસુ ની ધારા થી ભીજાઇ જતી હોય તો માણસ જાતી નુ તે વળી કેવુ ગજુ કે એને પોતાના આંસુઓને રોકી શકે?
રાધા નો અનરાધાર વહાલ આંસુ બનીને જાણે કે બહાર વહી રહ્યુ હોય તેમ લાગ્તુ હતુ.
બસ… બેટા હવે વધુ રડિશ નહી… એટલુ જ, ત્યારે કોઇ પણ શીખામણ નહીં… કે કોઇ શબ્દો પણ નહીં… અને વાણીનો કંઇ પણ વ્યવહાર નહી… મૌન આશીર્વાદ… ફકત આશીર્વાદ… આપી રહિ હતી રાધા તેમની દિકરી ને!!!
Nice …