એકવાર ભગવાન કૃષ્ણ અને અર્જુન ભ્રમણ માટે નીકળ્યા હતા, તેઓએ રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણને ભિક્ષા માંગતો જોયો, ત્યારે અર્જુનને તેના પર દયા આવી અને તેણે તે બ્રાહ્મણને સોનાના સિક્કાઓથી ભરેલ એક પોટલું આપ્યું, પરંતુ રસ્તામાં એક લૂંટારાએ આ ધટનાને જોઇ અને તે પોટલી બાહ્મણ પાસેથી છીનવી લઇ ગયો.ગરીબ બ્રાહ્મણ દુ:ખી થયો અને ફરી ભીખ માંગવા લાગ્યો.

બીજે દિવસે જ્યારે અર્જુનની નજર પેલા બ્રાહ્મણ પર પડી ત્યારે તેણે તેને આનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે અર્જુનને બધી વિગત જણાવી. તેની વ્યથા સાંભળીને અર્જુનને ફરીથી તેના પર દયા આવી.અર્જુને મનમાં વિચાર્યું અને આ વખતે તેણે બ્રાહ્મણને એક મૂલ્યવાન માણેક આપ્યું, બ્રાહ્મણ તે લઈને ઘરે પહોંચ્યો. તેના ઘરમાં અનેક જૂના વાસણો હતાં જેનો લાંબા સમયથી ઉપયોગ થતો ન હતો. ચોરાઈ જવાના ડરથી બ્રાહ્મણે માણેકને એક ખાલી પડેલા ઘડામાં સંતાડી દીધું, પરંતુ બ્રાહ્મણની પત્ની તે જ ઘડાને લઇને પાણી ભરવા નદી પાસે ગઈ અને તેણે માટલાને નદીમાં ડૂબાડતાં જ માણેક પણ પાણીના પ્રવાહ સાથે ઘડામાંથી નીકળીને નદીમાં જતો રહ્યો. જ્યારે બ્રાહ્મણને આ વાતની જાણ થઈ, ત્યારે તે તેના ભાગ્યને જ દોશ આપીને ફરી ભીખ માંગવામાં લાગી ગયો.

જ્યારે અર્જુન અને શ્રી કૃષ્ણએ તેને ફરીથી આ ગરીબ અવસ્થામાં જોયો, ત્યારે અર્જુને તે બ્રાહ્મણની આખી વાત સાંભળીને ખૂબ નિરાશ થયો પછી તેને વારંમવાર આવું થવાનું કારણ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું અને તેની મદદ કરવા માટે વિનંતી કરી તો ભગવાન શ્રી કૃષ્ણએ થોડો વિચાર કરીને બ્રાહ્મણને બે પૈસા દાનમાં આપ્યા, અર્જુને તેને પૂછ્યું “પ્રભુ, મારા સોનેરી સિક્કા અને માણેક પણ આ કમનસીબની ગરીબી દૂર કરી શક્યા નથી, તો પછી આ બે પૈસાથી તેનું શું થશે?”

આ સાંભળીને ભગવાન માત્ર હસ્યા અને અર્જુનને પેલા બ્રાહ્મણની પાછળ જવા કહ્યું.અર્જુન પણ વિચારવા લાગ્યો કે ભગવાનની આ કઈ લીલા છે કે ત્યાં બ્રાહ્મણની નજર એક માછીમાર પર પડી, તેણે જોયું કે એક માછલી માછીમારની જાળમાં ફસાઈ છે અને તે છોડવા માટે તડપી રહી છે. બ્રાહ્મણને તે માછલી પર દયા આવી. તેણે વિચાર્યું કે આ બે પૈસાથી તે એક વ્યક્તિના પેટની પણ આગ બુઝાવી શક્શે નહીં તો આ બે પૈસા થી તે તડપી રહેલ એક માછલીનો જીવ બચાવી શકે છે.

એમ વિચારીને તેણે એ માછલીનો બે પૈસાનો સોદો કર્યો અને પોતાના કમંડળમાં પાણી ભરીને મછવારા પાસેથી નદીમાં માછલી છોડવા ગયો, ત્યાં જેવી તેને માછલીને પોતાના કમંડળમાં નાખી તો તેના મોઢામાંથી કંઈક નીકળ્યું, ત્યારે તે બ્રાહ્મણે જોયું કે આ તો તેનું ખોવાયેલું માણેક જ છે, જે તેની પાસે હતું અને તેને જ એક ઘડામાં છુપાવેલ હતો, તે ખુશીથી બૂમો પાડવા લાગ્યો, “મળી ગયો” “મળી ગયો” તે જ વખતે સદનસીબે, લૂંટારો પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે બ્રાહ્મણની બૂમો સાંભળી. જ્યારે તેણે બ્રાહ્મણની બૂમો સાંભળી ત્યારે તે સમજી ગયો, તેથી લૂંટારો ગભરાઈ ગયો તેણે વિચાર્યું કે બ્રાહ્મણ તેને ઓળખી ગયો લાગે છે. તેણે બ્રાહ્મણ પાસે આવીને ક્ષમા માટે રડવાનું શરૂ કર્યું અને તેની પાસેથી લૂંટેલા તમામ પૈસા પાછા આપ્યા. આ જોઈને અર્જુને કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણ આ કેવી તમારી લીલા છે, “જે કામ મારા સોનાના સિક્કા અને મૂલ્યવાન માણેક પણ કરી શક્યા નથી, તે તમારા માત્ર બે પૈસાએ સાર્થક કરી આપ્યું.”

શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, આ વિચારસરણીનો એક મોટો તફાવત છે, જ્યારે તેં તે ગરીબ વ્યક્તિને સોનાના સિક્કાથી ભરેલી થેલી આપી અને મૂલ્યવાન માણેક આપ્યો, ત્યારે તે બાહ્મણે સ્વાર્થથી માત્ર પોતાના સુખનો જ વિચાર કર્યો, પણ જ્યારે મેં તેને બે પૈસા આપ્યા તેણે બીજાનું દુ:ખ પણ જોયું અને તેને દુર કરવાનું નક્કી પણ કરી લીધું.

સંસારમાં અનેક પ્રવૃત્તિઓના લોકો છે. એમનામાંથી કેટલાંક એવા છે, જે પોતાના હિતની ચિંતા ન કરીને હંમેશાં બીજાઓના કાર્યોમાં લાગ્યા રહે છે. આવા પુરુષ પરોપકારી કહેવામાં આવે છે. બીજાઓ માટે કરવામાં આવવાવાળા કાર્યોને પરોપકાર કહેવામાં આવે છે. પરોપકાર બે શબ્દોથી મળીને બન્યો છે. પર + ઉપકાર. અર્થાત્ બીજાઓનું હિત-સાધન. જે કાર્ય પોતાના હિત, યશ, સન્માનની ભાવનાને છોડીને સર્વથા બીજાઓના હિતની ઇચ્છા માટે કરવામાં આવે છે, તે જ પરોપકારની શ્રેણીમાં આવે છે. હકીકતમાં પરોપકાર મનુષ્યના હૃદયમાં નિવાસ કરવાવાળો એક દૈવીય ગુણ છે. આ ગુણ દયા તથા પ્રેમના વ્યાપક સંયોગથી પેદા થાય છે. તે પુરુષ, જે હંમેશાં જ પોતાના વિશે જ વિચારે છે અને જેમની આંખો પર સ્વાર્થનો પરદો પડેલો રહે છે, તેઓ પરોપકારનો અનુભવ નથી કરી શકતા.

પરોપકારનું ક્ષેત્ર અત્યંત વ્યાપક છે. વિદ્વાન પુરુષ પોતાની વિદ્યા દ્વારા અશિક્ષિતોને શિક્ષિત કરીને દેશ, જાતિ તથા સમાજનો પરોપકાર કરી શકે છે. જે પુરુષ શરીરથી હૃષ્ટ-પુષ્ટ છે, તે પોતાની શારીરિક શક્તિથી પરોપકાર કરી શકે છે. તે ગરીબ અને શોષિત વ્યક્તિ પર અત્યાચાર કરવાવાળઆઓની વિરુદ્ધ ઊભા થઈ શકે છે. ધની પુરુષ ગરીબોની સહાયતા કરીને પરોપકાર કરી શકે છે. કોઈ દુઃખી મનુષ્યને ધૈર્ય બંધાવવું, તરસ્યાને પાણી પિવડાવવું, અંધને માર્ગ બતાવવો વગેરે એવા કાર્ય છે, જેમની ગણના પરોપકારની શ્રેણીમાં કરવામાં આવે છે.

પરોપકારી પોતાના લાભને ધ્યાનમાં રાખીને પરોપકાર નથી કરતો. એનું મન અને હૃદય પવિત્ર તેમજ સાફ હોય છે એની આત્મા તેજોમય હોય છે. પરોપકારીની ભાવના હંમેશાં કર્તવ્યની તરફ પ્રેરિત કર્યા કરે છે. પરોપકારી વ્યક્તિને એ સન્માન પ્રાપ્ત હોય છે, જે લાખો રૂપિયા ખર્ચ કરીને, મોટા-મોટા પદ મળવા પર પણ પ્રાપ્ત નથી થતું. પરોપકારી વ્યક્તિનો યશ રાજમહેલોથી લઈને ઝૂંપડીઓ સુધી ફેલાઈ જાય છે. એનું સર્વત્ર સન્માન તેમજ આદર થાય છે. જન-જનમાં એના ગીત ગાવામાં આવે છે. પરોપકાર મનુષ્યનો સૌથી મોટો ધર્મ છે. જે મનુષ્યમાં પરોપકારની ભાવના નથી, તે મનુષ્ય કહેવાને યોગ્ય નથી. મનુષ્ય એ જ છે, જે બીજા મનુષ્ય માટે મરે. પોતાનું પેટ તો પશુ-પક્ષી પણ ભરે છે. પણ જે બીજાઓનું હિત કરે છે, એ જ મનુષ્ય કહેવાવવાનો અધિકારી છે. પરોપકાર જ એક એવો ગુણ છે, જે મનુષ્યને પશુઓથી અલગ કરે છે.

ઉપસંહાર: આજે સંપૂર્ણ સમાજ દુઃખી છે, કેમ કે સમાજનો મોટાભાગનો વર્ગ પોતાના અંગત સ્વાર્થોથી બંધાયેલો છે. તે કોઈ પણ કાર્યથી પહેલાં એમાં પોતાનો સ્વાર્થ શોધે છે. આજે એક વ્યક્તિ બીજા વ્યક્તિને નષ્ટ કરવા પર તુલ્યો છે. આ બધાનું મૂળ કારણ છે, લોકોમાં પરોપકારની ભાવનાનો અભાવ, જયારે કે સમાજને આજે પરોપકારની ખૂબ મોટી આવશ્યક્તા છે.

સત્ય તો એ છે કે જ્યારે અર્જુન એક બ્રાહ્મણનું દુ:ખ નથી જોઇ શક્તો અને તેની દરેક સમયે તેની સહાય કરે છે, તે બ્રાહ્મણ પેલી માછલીનું દુ:ખ નથી જોઇ શકતો અને બચાવવાની યોજના બનાવે છે. જેથી દરેક સમયે ભગવાન શ્રી કૃષ્ણ તેઓની સાથે હોય છે. જ્યારે તમે બીજાના દુઃખનો વિચાર કરો છો અને તમે અન્ય કોઈ જીવનું ભલું કરો છો, ત્યારે તમે ઈશ્વરનું કાર્ય કરી રહ્યા છો અને ત્યારે ઈશ્વર તમારી સાથે છે કારણ કે પરોપકારીથી મોટો કોઈ ધર્મ નથી!!!

રાધેય! રાધેય!!!

#દિવ્યેશ_સંઘાણી
https://www.divyesh.in/