પશ્ચિમના એક મનોવૈજ્ઞાનિકે માનવ મન અને આત્માની અનુભુતિ માટે ઇ.સ. ૧૮૬૯માં એક પ્રયોગ કર્યો.

 

૨૫ °C ઉકળતા પાણીથી ભરેલા એક વાસણમાં દેડકાને નાખ્યો. નાખતાની સાથે જ દેડકો છલાંગ લગાવી બહાર નીકળી ગયો અને બચી ગયો.

 

તે જ મનસવિદે ઇ.સ. ૧૮૭૫માં એક બીજો પ્રયોગ કર્યો.

 

સાદા પાણીથી ભરેલા એક બીજા વાસણમાં દેડકાને નાખ્યો અને ખ્યાલમાં પણ ન આવે એમ થોડું થોડું પાણી ગરમ કરતાં ૧૭ °C થી ૫૭ °C ઉકળતા પાણી સુધી પહોંચાડી દીધું. ત્યારે દેડકો તેના શરીરની તમામ શક્તિ વાપરીને પોતાનાં શરીરનું તાપમાન તપેલીના પાણીના તાપમાન જેટલુ ગરમ કરી રાખે છે…

 

હવે.. જ્યારે પાણી ખરેખર એટલું ગરમ બને કે દેડકા માટે જીવ બચાવવું મુશ્કેલ બની જાય ત્યારે તે પાણીની બહાર કૂદી જવા માટે પ્રયાસ કરે છે…

 

પણ ત્યારે દેડકા પાસે એટલી તાકાત જ નથી હોતી કે તે કૂદકો લગાવી શકે…

 

દેડકો પોતાની તમામ શક્તિ પોતાના શરીરનું તાપમાન પાણીના તાપમાન જેટલું જાળવી રાખવા વાપરી નાખે છે.

 

અને દેડકો ઉકળતા પાણીમાં છેલ્લે બફાઈને મરી જાય છે…

 

ગરમ પાણીના કુંડ કે ઝરામાં જે લોકો હાથ બોળે એને ખ્યાલ જ હશે કે નાખતાની સાથે જ હાથ બહાર કાઢી લેવાનું મન થાય એટલું એ ગરમ હોય છે. પણ જે લોકો કુંડમાં પડીને ગળાબુડ પાણી વચ્ચે નાહી રહ્યા હોય એ કહેતા હોય છે કે ડરવા જેવું કશું જ નથી. સાહસ કરીને એક વાર પડો અને પછીથી ઉલટાની મઝા આવશે. એ પાણી તો સહી શકાય એટલું ગરમ હોય છે પણ ધીમે ધીમે એ જ પાણીમાં ઉષ્ણતા વધારવામાં આવે તો માણસ દાજી જઈને મરી પણ શકે છે.

 

જગત પણ આવા ધીમે ધીમે ઉકળતા કુંડ જેવું છે. માણસ અનેક બાબતમાં ધીમે ધીમે અનુકૂલન સાધી એમાં ને એમાં જ મરી જતો હોય છે. અનેક પ્રકારના ધીમા ઝેર વચ્ચે રહીને માણસ ખબર ન પડે એ રીતે ખતમ થઈ જતો હોય છે.

 

આપણે ત્યાં પહેલા વિષકન્યાને તૈયાર કરવામાં આવતી. એને રોજ થોડું ઝેર આપવામાં આવે પણ એ એટલું ધીમું હોય કે મારક ન બને. આ રીતે વિષકન્યાનું શરીર ઝેરી બની જાય છતાં એને પોતાને ખતમ ન કરે પરંતુ જે લોકો એના સંપર્કમાં આવે તે વિષાકત થઈને મરી જાય પણ વિષકન્યાને કશું ન થાય.

 

જે સમાજમાં આપણે જન્મીએ અને જીવીએ છીએ ત્યાં રોજેરોજ થોડું ઝેર આપણને પાવામાં આવે છે. આ ઝેર પીને આપણે મરતા તો નથી પણ જેના તરફ એ પ્રવાહિત થાય તેને જરૂર નુકસાન થાય છે. આપણે જન્મીએ ત્યારથી જ માબાપ દ્વારા, પરિવાર દ્વારા, ધાર્મિક નેતાઓ અને દેશ નેતાઓ દ્વારા રોજ થોડું ઝેર પાવામાં આવે છે. હિન્દુ બાળકને જન્મતાની સાથે જ કહેવામાં આવે છે કે મુસલમાન એ આપણા વિરોધી છે. એ જ રીતે મુસલમાન બાળકને નાનપણથી જ ધર્મના નામે હિન્દુ વિરુદ્ધનું કોમી ઝેર પાવામાં આવે છે.

 

રોજ થોડું થોડું મનમાં ભરાતું હોવાથી માણસને ખબર પણ ન પડે એમ તે અંદરથી ઝેરીલા બનતા જાય છે અને જેના વિરુદ્ધ એ ઝેર પ્રવાહિત થાય, તેને ખતમ કરવા સુધીની દાનત બગડતી હોય છે. દેશ પ્રેમના નામે પણ વ્યક્તિને ઝેર પાવામાં આવે છે. પોતાના દેશ માટે ફના થઈ જવું અને દુશ્મન દેશના લોકોને ખતમ કરવા આવું ઝેર દેશપ્રેમના નામે પણ લોકોને પાવામાં આવે છે, ધર્મના નામે પણ કાતિલ ઝેર લોકોના હૃદયમાં રેડાતું હોય છે પણ એ એટલું ધીમું હોય છે કે સમય આવ્યે જ છતું થાય.

 

જ્ઞાતિવાદ અને સવર્ણ-અવર્ણ (દલિત)નું ઝેર પણ ઓછું ખતરનાક નથી.

 

સાવ કોરી પાટી જેવા કોમળ હૃદયના માણસો આવા ઝેરને સહી શકતા નથી. એને ખ્યાલ પણ આવી જાય છે કે આ તો ખતરનાક બાબત છે અને આથી આવા સમાજ વચ્ચે રહીને એમના મનમાં હતાશા કે વૈરાગ્યનો જન્મ થાય છે. હતાશ થયેલા લોકો આત્મહત્યાના માર્ગ પર પહોંચી જાય છે, તો વૈરાગ્યનો અનુભવ કરતાં લોકો સંન્યાસના ધર્મના કે અંતર્યાત્રાના માર્ગ પર ચાલવાનું પસંદ કરે છે. વિષાદનો વિધાયક (પોઝિટિવ) ઉપયોગ પણ શક્ય છે અને વિઘાતક ઉપયોગ પણ થઈ શકે છે. અચાનક થતા તીવ્ર અનુભવમાંથી વ્યક્તિ જાગી શકે છે અને ડિપ્રેસ પણ થઈ શકે છે. સંક્રાન્તિની પળોમાં મોટા ભાગના લોકો પરિસ્થિતિથી પલાયન કરે છે અને વિરલ લોકો પરિસ્તિતિનો સામનો કરી જાગી પણ જતાં હોય છે.

 

‘આ પાર કે પેલે પાર, આ તરફ કે પેલી તરફ?’ આવી પસંદગીની તીવ્ર પળોમાં વ્યક્તિની અંદર વિવેકનો જન્મ થઈ શકે છે અને વિષાદ કદીક એને ખતમ પણ કરી શકે છે.

 

દિવ્યેશ કહે છે; વ્યક્તિએ એટલી હદે જાગરૂત રહીને જીવવું જોઈએ કે એને થોડા એવા ઝેરની પણ ખબર પડી જાય. ધીમે ધીમે પાણી ગરમ થાય તો પણ સજાગ વ્યક્તિ એવી સ્થિતિમાં છેતરાતી નથી. એને ખ્યાલ જ આવી જાય છે કે આ ખેલ ખતરનાક છે.

 

જો આપણે એવા લોકોને શોષણ કરવા માટે પરવાનગી આપશું તો તેઓ શારીરિક, ભાવનાત્મક, આર્થિક, આધ્યાત્મિક કે માનસિક રીતે આપણી સાથે તેવું જ ચાલુ રાખશે.

 

તો ચાલો સાથે મળી નક્કી કરી કે આ બધી પરિસ્થિતિમાંથી આપણે કયારે બહાર કૂદવાનું છે!!!