તમે ન આવશો મારા સુહાના સમણાનું શું થશે?
કદી બંધ ન કર્યા નયનોનાં બે બારણાંનું શું થશે?

વખત કવખત વહે તમારી યાદમાં એ અચાનક;
હું જો ડૂબી જઈશ તો આંસુનાં એ ઝરણાનું શું થશે?

બહુ આશ સાથે ધર્યું હતું જીવન સાગર તરવા મેં;
કિનારે ડુબાડી ગયું એ યાદનાં તરણાનું શું થશે?

તમને યાદ કરતા કરતા વીસરી ગયો હું કોણ છું?
સાચવી રાખ્યા જે દિલમાં એ સંભારણાનું શું થશે?

તમે તો દિલમાં જ છો એમ માની જીવી રહ્યો છું હું;
સાચી ખોટી જેવી છે એવી મારી ધારણાનું શું થશે?

ઇશ્ક ધરમ, ઇશ્ક કરમ, ઇશ્ક જ છે વિશ્વમાં પરમ;
દેશો દગો તમે તો મારી એ બંધારણાનું શું થશે ?

ઇશ્ક અગમ, ઇશ્ક નિગમ, ઇશ્ક છે વિશ્વમાં ચોગમ;
તમારા વિના ઇશ્ક વિશેની આ વિચારણાનું શું થશે?

ઇશ્ક જખમ, ઇશ્ક મલમ, ઇશ્ક ગરમ, ઇશ્ક નરમ;
જો ઇશ્ક જ ન રહશે તો ખૂશ્બુ-એ-હિના નું શું થશે?

આંસું સીંચી સીંચી સળગતું રાખ્યું છે દિલમાં મારા;
મારા તમારા સ્નેહનાં એ હૂંફાળા તાપણાનું શું થશે?

આજ પણ મને આયનો તમારો ચહેરો જ બતાવે છે;
મારા દિલ-એ-દર્પણના કારોબાર-એ-ઇશ્કનું શું થશે?

સાથ છોડ્યો, ન રહ્યા સાથે, ને લઈ ગયા કોઇ તમને;
મારી ચાહત, મારી દુવા, મારી ઇબાદત નું શું થશે?

શોધતા રહ્યા જંગલ જંગલ ભટકી કસ્તૂરી ને જેઓ;
હતી ખુદમાં ને ખોળી ન શક્યા એ હરણાનું શું થશે?

છે અધૂરો દિવ્યેશ તમારા વિના અને રહેશે અધૂરો;
તમે ન દેખાડો ઝલક તો આ દિલની ખોટનું શું થશે?

 

– દિવ્યેશ જે. સંઘાણી