એક સમયે એક રાજા હતો જે પોતાની પ્રજાની ખૂબ સારી રીતે સંભાળ રાખતો હતો. તે તેના રાજ્યમાં કામ કરવા માટે ચારે બાજુ પ્રખ્યાત હતો. રાજા ગામડાઓમાં જઈને લોકોની સમસ્યા સાંભળતા અને તેમની જીવનસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરતા અને શક્ય તેટલી તે સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરતા. એક દિવસ, જ્યારે રાજા એક ગામમાં લોકોને તેમની સમસ્યાઓ વિશે વાત કરવા ગયો હતો. તેમની મુલાકાત દરમિયાન તેમના કુર્તાનું એક બટન તૂટી ગયું હતું.

તેમણે તેમના મંત્રીને કહ્યૂં કે જાઓ અને તપાસ કરો આ ગામમાં કોણ દરજી છે, જે મારા કુર્તાનું બટન સીવી શકે છે? મંત્રી રાજાની વાત સાંભળીને ગામમાં તપાસ કરે છે તો ખબર પડે છે કે તે ગામમાં એક જ દરજી હતો. મંત્રી તેના ઘરે જાય છે તો તે દરજી ત્યાં કપડાં સીવતો હતો. મંત્રી તે દરજીને રાજા સમક્ષ લઈ જાય છે. રાજાએ કહ્યું, શું તમે મારા કુર્તાના બટન સીવી શકો છો? દરજીએ કહ્યું, તે કોઈ મુશ્કેલ કામ નથી અને તેને મંત્રી પાસેથી રાજાના કુર્તાનું તુટી ગયેલ બટન લીધું, દોરા વડે તેણે રાજાના કુર્તાનું બટન ટાંકી આપ્યું.

રાજા પાસે પણ બટન હતું કારણકે તે સોનાનું હતું તેથી સાંચવીને રાખ્યું હતું, દરજીએ ફક્ત તેના દોરાનો ઉપયોગ કરી તેને ટાંકવાનું હતું. રાજાએ દરજીને પૂછ્યું કે કેટલા રૂપિયા થયા ભાઇ તમારા? તો દરજીએ કહ્યું મહારાજ છોડો, નાનું કામ હતું. તેણે મનમાં વિચાર્યું કે રાજા પાસે પણ બટન છે, તેણે માત્ર દોરો જ મૂક્યો છે. રાજાએ ફરી દરજીને કહ્યું, તો દરજીએ કહ્યું ના, ના, મહારાજ શા માટે તમે મને શરમાવો છો.

દરજીએ પછી વિચાર્યું કે તેને રાજા પાસેથી ૨ રૂપિયા માંગવા જોઇએ, પછી મનમાં વિચાર્યું કે; ક્યાંક રાજાએ વિચાર્યું કે તે મારી પાસેથી બટન લટકાવવાના ૨ રૂપિયા લે છે, તો પછી તેણે ગ્રામજનો પાસેથી કેટલા લીધા હશે? કારણ કે તે જમાનામાં ૨ રૂપિયા ઘણાં વધારે થતા હતાં.

પછી દરજીએ રાજાને ન્રમતાથી કહ્યું, મહારાજ, તમે તો આ રાજયની કેવી સેવા ચાકરી કરો છો? તમે આ રાજય માટે દિવસ રાત નથી જોતા અને પ્રજાના સુખ અને દુ:ખમાં તેની સહાય કરો છો, અત્યારે પણ ભર બપોરે આ આકરી ગરમીમાં પણ તમે લોકોની ખબર અંતર કાઠવા માટે આવ્યા છો… તો હું એક સાધારણ માણસ તમારી સેવામાં એક બટન ટાંકવામાં કામ આવું તો તેમાં શું નવાઇ છે.

તેના રાજયના એક સામાન્ય માણસની વાત સાંભળીને રાજા પણ બહું ખુશ થઇ ગયા, હવે વારો રાજાનો હતો, તેણે પોતાના હિસાબે આપવાનું હતું, એવું ન થાય કે આપવાથી તેનું પદ બગડી જાય.

તેણે તેના મંત્રીને કહ્યું કે આ દરજીને ૨ ગામ દાન આપો, આ અમારો આદેશ છે, જ્યાં દરજી માત્ર ૨ રૂપિયા માંગવા જતો હતો અને ત્યાં રાજાએ તેને આખા ૨ ગામ દાનમાં આપી દીધા.

દરેક કાર્ય કે પ્રવૃતિ પાછળ અપેક્ષા હોય છે, કારણ કે આ સ્વાભાવિક છે અને દરેક માનવી અપેક્ષા રાખે છે. પરંતુ આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે આ નૈતિક જવાબદારી છે તો પછી આપણે આપણી અપેક્ષાઓ કરતાં વધુ મેળવીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે…

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि॥

અર્થઃ કર્મ કરતાં જ રહેવુ તેનો અધિકાર છે. પરંતુ આ કર્મ ફળ પર નથી! નિષ્કામ કર્મ કરવાનું છે. નિષ્કામ એટલે કે ફળ અથવા તો કોઈ પ્રકારના પરિણામની આશા રાખ્યા વગરનું કર્મ! જેમાં આશક્તિ રહીત હોય. દરેક વ્યક્તિ કર્મ તો કરી રહ્યો છે. પરંતુ તો પણ તે બંધનથી બંધાયેલ છે. બંધન મુક્ત તો છે જ નહીં. કેમ કે તેનાં મનમાં ફળ અંગેની આસક્તિ રહી છે.

આર્ય સંસ્કૃતિની ચાલી આવતી પરંપરામાં શ્રમ અંગે ઘણું બધું વિચારવામાં આવ્યું છે. ‘શ્રમ એટલે આપણું કર્મ’! પરંતુ પરંપરાથી ચાલ્યું આવતું ચિંતન અને અર્વાચિન્હની વિચારધારા આ બન્નેમાં મોટો વિરોધાભાસ રહ્યો છે. પ્રથમ તો એ કે આપણે કર્મની પૂજા કરી શ્રમનો મહિમા સમજી તેનો આદર કરતાં થયાં. પરંતુ આ કર્મ કરનારને આદર-માન આપ્યું નહિ. શ્રમ કરનાર પરિશ્રમીને હલકામાં લીધો. સમાજે તેને નિમ્ન સ્તરે સ્થાન આપ્યું અને અવહેલના કરી. ત્યારે શ્રમનાં મહત્વને મહાપુરુષોએ જાણી તેને સ્વાભિમાન સાથે જોડી શ્રમની પ્રતિષ્ઠા સ્થાપી! મહાભારત કર્મને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. તો પણ તે સાથે ભાગ્યને પણ સ્થાન આપી માનવામાં આવ્યું છે. કહેવાય છે કે કર્મશીલ-કર્મઠ પુરુષની પાછળ પાછળ લક્ષ્મીજી જાય છે. જ્યારે આળસુ-એદી વ્યક્તિની આગળ આગળ ચાલે છે અને આળસું તેની પાછળ દોડતો રહે છે. કર્મની જે વાત કહેવામાં આવી છે. તે માત્ર શ્રમ જ નથી. પરંતુ ઉદ્યમ પણ છે. ઉદ્યમશીલતા ઉત્પાદન શક્તિ જ જીવનનો વિકાસ કરે છે.

છેલ્લા પંદર વર્ષોથી હું એચ.આર. વિભાગમાં સેવા બજાવી રહ્યો છું ત્યારે મને પણ એવા ધણાં કર્મચારીઓ મળે છે કે સર આ વખતે મારો ૨૦૦૦ રૂપિયા પગાર વધારો કરી આપજો, મારે આ જરૂર છે, તે જરૂર છે… વગેરે વગેરે જેવા અનેક કારણો આપે છે, જ્યારે તેના કામ અને તેની સ્કીલ પ્રમાણે તેનો પગાર ૫૦૦૦ રૂપિયા વધવો જોઇએ, પણ જો કોઇ વ્યક્તિ સામે થી જ ઓછો પગાર માંગવા આવે તો કોઈ પણ કંપની તેને વધારે પગાર શેના માટે આપે? તેમજ કોઇ ઇન્ટર્વ્યુ આપવાં માટે આવે ત્યારે પણ કેટલાક ઉમેદવારો ઓળખાય આવે છે, જેમકે ફોન કરીને ડાયરેકટ પૂછે કે આ પોસ્ટ માટે જગ્યા છે, આપણે કહીં હાં તો તેનો બીજો સવાલ હોય કે શું પગાર આપશો? અરે ભઇ, તારૂં શું એજ્યુકેશન છે? શું અનુભવ છે? કે શું તારી સ્કીલ છે? તેની મને કશી જાણ નથી તો પગાર કેમ નક્કી થાય? જેમકે, લગ્ન માટે કોઇ છોકરીનો બાયોડેટા મળે કે તરત જ કહે કે મારી સાથે લગ્ન કરશે? કેવી લાગે આવી વાત? તમે જાતે જ વિચારો? ત્યારે તેવા ઉમેદવારો માટે મારો જવાબ હોય કે આવતા અઠવાડીયામાં અમે તમારો સંપર્ક કરશું. જ્યારે કોઇ એમ જવાબ આપે કે તમને મારી સ્કીલ, અભ્યાસ અને અનુભવને આધારે જે યોગ્ય લાગે તે આપજો, તો તે ઉમેદવારની પ્રથમ પંસદગી કરી લેવામાં આવે છે.

એક ઋગ્વેદની ઋચામાં કહ્યું છે… આ મારાં હાથ જ ઐશ્વર્યવાન છે. એટલે સુખ સમૃધ્ધિ આપનારા છે. મારો બીજો હાથ પણ વધુ ઐશ્વયવાન છે. તે હાથ બધાં રોગ-વ્યાધિઓને માટે ઔષધિ સરખા તેમજ તે મટાડનારા છે. આ મારાં બન્ને હાથો જીવનનાં સઘળાં દુઃખ દર્દો દૂર કરી શકે છે. આ સુખ સ્પર્શ કરનાર છે. મતલબ એ જ કે સુખ-સમૃધ્ધિ દાયક છે. આ ઋચાઓ ધ્વારા ‘શ્રમ-પરિશ્રમ’ ના મહત્વ તરફ અંગુલિ નિર્દેશ કરે છે. આપણાં હાથ આપણું કર્મ છે! આપણાં હાથ જગન્નાથ છે! આપણાં હાથ પરિશ્રમ માટેનાં ઉપકરણો છે. આ હાથ સુધી સમૃધ્ધિ આપનારા અને અનેક કષ્ટોને ભગાડનારા છે. આ હાથ ધ્વારા આપણે જગતમાં અનેક લાભો આપીએ છીએ તો પરમાર્થે પણ આપણાં જ હાથના સહાયક બને છે.

જ્યારે આપણે માંગીએ છીએ ત્યારે આપણને થોડું મળે છે પરંતુ જ્યારે ભગવાન આપે છે ત્યારે તે આપણને આપણી અપેક્ષાઓ કરતાં વધુ આપે છે. કારણ કે આપણે બહુ ઓછી અપેક્ષા રાખીએ છીએ જ્યારે ભગવાન વધુ અને વધુ આપવા માંગે છે. અપેક્ષાઓ હંમેશા નુકસાન પહોંચાડે છે, તેથી ક્યારેય કંઈપણની અપેક્ષા ન રાખો, જે તમારું છે તે તમને મળશે. જ્યારે આપણે ઉપરના પર બધું છોડી દઈએ છીએ, ત્યારે તે પોતપોતાના હિસાબે આપે છે, માત્ર માંગવામાં આપણે ઓછા પડીએ છીએ, આપનારને ખબર નથી કે તે શું આપવા માંગે છે! તેથી જ તેને આત્મસમર્પણ કરો.. પછી તેની લીલા જુઓ..

રાધેય! રાધેય!!!

#દિવ્યેશ‌_સંઘાણી
https://www.divyesh.in/

ખાસ નોંધ:
તમે અને તમારા પ્રિયજનો આ આર્ટીકલ divyesh.in પર વાંચી શકો છો. જો તમે તમારા સોશિયલ મીડિયા નેટવર્ક પર આ સંદેશ શેર કરી શકો, તો હું સન્માનિત અનુભવીશ.

જો તમે મારા શબ્દોમાં મૂલ્યવાન માનો છો, તો હું માત્ર એટલું જ કહું છું કે તમે divyesh.in પર સંક્ષિપ્ત સમીક્ષા અથવા તો ટીપ્પણી લખો. અલબત્ત, મારા આ આર્ટીકલ વિશેનો કોઈપણ સકારાત્મક પ્રતિસાદ મારા માટે એવી વ્યક્તિ તરીકે માન્ય રહેશે કે જેણે તેના જીવનની સફરમાં અન્ય લોકોને ટેકો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

આખરે, આ એક આપણાં બધા માટે જીતની પરિસ્થિતિ છે: તમને અને તમારા મિત્રો અને અનુયાયીઓનું નેટવર્ક એક નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને મને એક બેસ્ટ લેખકની સૂચિમાં સામેલ થવાની તક મળે છે – જેનું મેં હંમેશા સપનું જોયું છે.