સંબંધોમાં માતા પિતા અને ગુરુનું સ્થાન ઈશ્વર સમાન દર્શાવવામાં આવ્યું છે અને તેઓ સદાય આદર અને માન સન્માન પ્રાપ્ત કરનારા અધિકારી પણ છે. તેમનો અનાદર કરનારા પર ભગવાન કદી પ્રસન્ન થતા નથી. સ્વયં ભગવાન શ્રીવિષ્ણુએ જ્યારે પણ અવતાર લીધો ત્યારે તેમના માતા પિતા અને ગુરુદેવ પ્રતિ શ્રદ્ધા અને ભક્તિ રાખવાનો સંદેશ આપ્યો હતો. કોઈ પણ વ્યક્તિ જન્મ અને મૃત્યુ સુધી સદાય અસંખ્ય લોકોના સંપર્કમાં આવે છે. કેટલાક વિશેષ લોકોથી તમને મિત્રતા થઈ જાય છે. જ્યારે કરોડો લોકોની વચ્ચે એક વ્યક્તિ એવી હોય છે જેને તમે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવા લાગો છો. એવો જ પ્રેમ હતો શ્રીરાધા અને શ્રીકૃષ્ણનો. તેમની વચ્ચે પ્રેમની કોઈ સીમા નહોતી. બંને એકબીજાને અસીમ પ્રેમ કરતા હતા. તેમના પ્રેમમાં સ્વાર્થની કોઈ અપેક્ષા નહોતી.

ગોકુળમાં એક પણ એવી ગોપી નહોતી જેને શ્રીકૃષ્ણ માટે પ્રેમ ન હોય. દરેક ગોપીનો પ્રેમ પવિત્ર અને ભક્તિપૂર્ણ હતો. દરેક ગોપી શ્રીકૃષ્ણને પ્રિયતમને રૂપમાં જોતી હતી. શ્રીરાધાનો પ્રેમ એટલો ઉંડો હતો કે તેમણે પોતાનું સમગ્ર જીવન શ્રીકૃષ્ણ પર સમર્પિત કરી દીધું અને શ્રીકૃષ્ણ પણ રાધાના રંગમાં રંગાઈ ગયા હતાં. શ્રીરાધા અને શ્રીકૃષ્ણના પ્રેમની ઉંડાઈ દર્શાવતા અનેક પ્રસંગ આપણા ધર્મ ગ્રંથોમાં આપવામાં આવ્યા છે. આ પ્રસંગો અનુસાર એક વાર શ્રીરાધાએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે શ્રીકૃષ્ણ તું તો મને પ્રેમ કરે છે તો પછી તેં મારી સાથે લગ્ન કેમ ના કર્યા? હું જાણું છું કે તું તો સાક્ષાત ભગવાન છે અને તું તો કંઈ પણ કરી શકે છે.. ભાગ્યના લેખ બદલવા માટે તું તો સક્ષમ છે. તો પછી તે રુકમણી સાથે લગ્ન કર્યા, મારી સાથે કેમ નહીં.. શ્રીરાધાની આ વાત સાંભળીને શ્રીકૃષ્ણે ઉત્તર આપ્યો કે હે શ્રીરાધેય… લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે થાય છે. લગ્ન માટે બે અલગ અલગ વ્યક્તિઓની આવશ્યકતા હોય છે… તું મને કહે કે શ્રીરાધા અને શ્રીકૃષ્ણમાં બીજી વ્યક્તિ કોણ છે. આપણે તો એક જ છીએ… તો પછી આપણને લગ્નની શું આવશ્યકતા છે… નિસ્વાર્થ પ્રેમ, લગ્નના બંધનથી વધારે મહાન અને પવિત્ર હોય છે. આ માટે શ્રીરાધાકૃષ્ણને નિસ્વાર્થ પ્રેમની પ્રતિમૂર્તિ અને સદેવ પૂજનીય ગણવામાં આવે છે.

શ્રીરાધાકૃષ્ણનો સંબંધ આ વિશ્વનો સૌથી રોમેન્ટિક અને ન માની શકાય એવો અલૌકિક સંબંધ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ રાજનીતિજ્ઞ તરીકે દાખલ થયા છે. એમાં શ્રીરાધાનો કોઇ ઉલ્લેખ નથી. શ્રીમદ્ ભાગવતની કથાઓ શ્રીકૃષ્ણની બાળલીલાની કથાઓ છે. શ્રીકૃષ્ણની રાસલીલા, ગોપીઓ સાથેનો સંબંધ અને શ્રીરાધા સાથેના પ્રણયની અહીં કથા કહેવામાં આવી છે. પરંતુ વિદ્વાનોની એક પ્રણાલી માને છે કે શ્રીરાધાનું અસ્તિત્વ હતું જ નહીં, તેથી જ તો દ્વારિકાધીશની મૂર્તિ એકલા કૃષ્ણની છે, રણછોડરાય કે શ્રીનાથજીનાં મંદિરોમાં પણ શ્રીરાધાનું અસ્તિત્વ નથી. જ્યારે દ્વારિકામાં રુકમણીજીનું મંદિર છે, પરંતુ શ્રીરાધાનું કોઇ મંદિર નથી. જ્યારે વૈશ્નવ, પ્રણામી, સ્વામીનારાયણ ધર્મમાં શ્રીકૃષ્ણની પૂજા થાય છે પરંતુ શ્રીરાધાની નહીં. જ્યારે ઇસ્કોનનો આખો પંથ શ્રીરાધા-કૃષ્ણની પૂજા કરે છે. તો બીજી તરફ જગતભરમાં ‘શ્રીરાધા-કૃષ્ણ’નાં અનેક મંદિરો પણ છે. તો પહેલાં આપણે શ્રીકૃષ્ણનું જ અસ્તિત્વ હતું કે નહીં એ પ્રશ્નથી આખીય ચર્ચાની શરૂઆત કરવી જોઇએ. જગતના શ્રેષ્ઠ નવલકથાકાર તરીકે વેદવ્યાસને આપણે પૂરેપૂરા માર્ક આપવા જોઇએ, કારણ કે જો શ્રીકૃષ્ણ જેવું પાત્ર એમણે સજર્યું હતું તો એ અદ્ભુત અને અવર્ણનીય પાત્ર છે. આવો કોઇ માણસ ખરેખર હતો તો એનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ ઈતિહાસ ફરી સર્જી શક્યો નથી. શ્રીરાધાકૃષ્ણનો સંબંધ ફક્ત પ્રણયનો સંબંધ છે. હું ફિલોસોફી અને દર્શનની બહાર નીકળીને જ્યારે આ સંબંધને જોઉં છું ત્યારે મને સમજાય છે કે સવાઁગ સંપૂર્ણ પુરુષને એક સવાઁગ સ્ત્રી મળવી અનિવાર્ય છે.

શ્રીકૃષ્ણના જીવનમાં શ્રીરાધાની કલ્પના કે એનું અસ્તિત્વ બંને શ્રીકૃષ્ણના પૂર્ણ પુરુષોત્તમ તત્વને પૂર્ણતાનું વિરામ મૂકે છે. એક પુરુષ તત્વને નાજુક થવા માટે જે ક્ષણની કે જે સ્ત્રીત્વની આવશ્યકતા છે તે જ શ્રીરાધા છે. ભારતીય સાહિત્યનાં કેટલાંય પ્રણય ગીતો શ્રીરાધાકૃષ્ણના પ્રણયની આસપાસ રચાયાં છે. આ દેશ સંબંધને કેટલા ઊંડાણ અને વિસ્તારથી જોઇ શકતો હતો તેનો સૌથી મોટો દાખલો શ્રીરાધાકૃષ્ણનો પ્રણયસંબંધ છે. શ્રી કૃષ્ણએ રુકમણીને તેના જ દેશમાંથી ભગાડીને તેની સાથે લગ્ન કરેલ છે, ટૂકમાં સમજાવું તો તેની ૮ પટરાણી અને ૧૬૧૦૦ રાણી સાથે જો તે બધા કાયદાઓ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લગ્ન કરી શકે છે તો શ્રીરાધા તો તેના દિલ-એ-ધડકનની મહારાણી હતી. પરંતુ તે તેની સાથે લગ્ન કેમ નથી કરતાં. હાં શ્રીરાધા શ્રીકૃષ્ણ કરતા ઉંમરમાં મોટી હતી પરંતુ તેની સાથે લગ્ન ન કરવાનું કારણ કંઈક અલગ હતું જે કદાચ આજ સુધીમાં કોઇ સામાન્ય માણસ તેને સમજી નથી શકયા. તો આ બધાનું કારણ છે આપણી જ આપણાં ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા અને શિક્ષણ પ્રત્યેની લાગણી અને ભાવનાઓ કે જે બીજા કોઇ દ્રારા ભુંસવામાં આવ્યું અને આપણે તેને વિસરી ગયાં!

તમે બધા જ જાણો છો કે શ્રીકૃષ્ણનો જન્મ માતા દેવકી અને વાસુદેવને ત્યાં મથુરામાં મામા કંસના કારાગારમાં થયો હતો. ત્યાંથી વાસુદેવ તેને ટોપલીમાં લઇને ગોકુળમાં નંદબાબાબાને ત્યાં મૂકી જાય છે. ત્યાં માતા યશોદા શ્રીકૃષ્ણની પાલક માતા હોય છે, અને નંદબાબા તેના પાલક પિતા હોય છે. તો શ્રીરાધા કિર્તીદા અને વૃષભાન દુલારી હોય છે. માતા યશોદાની બહેન કિર્તીદા હોય છે, શ્રીરાધા અને શ્રીકૃષ્ણ બાળપણ થી જ એકબીજા જોડે જ મોટા થયા છે જે આપણે બધા જાણી જ છીએ. જે સમય જતાં તેઓનો પ્રેમ વૃદાંવનના આંગણે પ્રાગરે છે. જ્યારે શ્રીરાધા અને શ્રીકૃષ્ણની પ્રેમગાથા તેઓના ઘરે ખબર પડે છે ત્યારે શ્રીરાધાના પિતા અને શ્રીકૃષ્ણ ની માતા તેમના પ્રેમની સાથે સહમત નથી થતા. ત્યારે શ્રીરાધા એવું વિચારે છે કે જો તેના માતાપિતા શ્રીકૃષ્ણ સાથે તેના લગ્ન કરાવશે તો તે જરૂર થી શ્રીકૃષ્ણ સાથે લગ્નગ્રંથી થી બધાશે અને જો ના પાડશે તો તેઓ જ્યા કહેશે ત્યાં લગ્ન કરી લેશે પરંતું તે શ્રીકૃષ્ણને તેનો પતિ માની ચુકી છે જે અનંત જન્મો સુધી તે જ રહેશે. શ્રીરાધા જેને પોતાના ઇશ્વર માનતી હતી તે માતા-પિતાને તે પોતાના પ્રેમ માટે દુ:ખી કેમ જોઇ શકે? અંતે શ્રીરાધા પોતાની હાર માની લે છે અને તેના માતા પિતા તેમના લગ્ન અયન જોડે કરી આપે છે.

લગ્ન પછી શ્રીરાધા સંસારીક રીતે અયનની પત્નિ બનીને રહે છે અને સમય જતાં તે વૃદાંવનની મહારાણી બને છે. પરંતુ દરેક પળ માટે તેના મન-એ-મંદિરમાં તો શ્રીકૃષ્ણ જ બિરાજમાન હોય છે. જેમકે અત્યારે આપણે ટેલીપેથી તરીકે ઓળખીયે છીએ, પરંતુ જો તમે કોઇને સાચા દિલથી પ્રેમ કરતા હોય તો પણ તેના દિલની વાત તમે આસાનીથી જાણી શકો છો અને જણાવી પણ શકો છો. સમય જતા શ્રીરાધા શ્રીકૃષ્ણ સાથે દ્રારીકામાં અમૂક સમય માટે રહે છે. તેથી આપણા જેવા સંસારીક કેટલાક લોકો શ્રીરાધાને પરણીત માને છે અને કહે છે કે શ્રીરાધા વિવાહિત હતી અને તે શ્રીકૃષ્ણના પ્રેમમાં પડી હતી. શું આ હતી આપણી ભારતીય સંસ્કૃતિની સભ્યતા? જેની સાત પેઢી કે બત્રીસ પેઢી નહીં પરંતુ તેની ચોસઠ પેઢીમાં કોઇએ સંસ્કૃત ભણ્યું જ નથી ને કોઇ જગ્યાથી સંસ્કૃતના કલાસીસ કરીને કે ગુગલમાં ટ્રાન્સલેંટ કરીને આપણે સમજાવે છે કે આવો મતલબ થાય આ શ્લોકનો અને આપણે પણ પાછા તેને માની લઇએ કે તે જ સત્ય છે.

તમે પણ તો એવી એક પણ શોધ બતાવો જે આપણા શાસ્ત્રના વિજ્ઞાનમાં ન હોય? તમે જે પણ વિદેશની શોધ લેશો તે ભારતીય ગ્રથોમાં સમાહિત છે, જેથી વિદેશી અહિં થી તેને ચોરીને કે લૂટીને તેના દેશમાં લઇ ગયા સાથે પડિતોને બંધી કે ગુલામ બનાવી તેની પાસે થી તેના મતલબો જાણી જાણીને એક નવું નામ આપી દેવાનું અને કહેવાનું કે આ શોધ અમે કરી. સંસ્કૃતના એક શ્લોકના ચોસઠ અર્થ થાય અને તે કેવા લય અને તાલમાં બોલવામાં આવે છે તેના પર તેનો અર્થ છુપાયેલ હોય છે. તો આવા લોકો માટે આ એક ગાલ પર તમાચો છે જે ખોટું અનુવાદ કરી ને લોકોને ભ્રમિત કરે છે કે તમારા શાસ્ત્રો અને ગ્રથો ખોટા છે, અરે તો તમારે કેમ ઓરીઝનલ ગ્રથો ચોરીને લઇ જવા પડ્યા? જેના બે ફાયદાઓ હતાં એક આર્થિક, કે જેમાં ખોટું ભેળસેળ અર્થધટન કરીને નવા ગ્રથો આપવાં, જેથી તેની કમાણી થતી રહે અને બીજુ એ કે આપણે આપણી સંસ્કૃતી આપણે ભૂલી જાય અને આપણે તેનાથી દુર થતા જાય, આપણી સંસ્કૃતીની ભવ્યતા ભૂલતા જાય. આ એક મનોવિજ્ઞાનિક કારણ છે કે જો તમારે કોઇ સભ્યતાને નાબુદ કરવી હોય તો પહેલા તેના જ્ઞાનનો નાશ કરો, જેથી તેને આસાનીથી હરાવી શકાય. અરે… ભઇ પેલા કોઇ દિવસ આપણા ધર્મ ગ્રથોને પહેલા વાંચો અને સમજો પછી તમારા આવા તુચ્છ વિચારોને સમાજ સામે પ્રગટ કરજો…

જ્યારે વાત કરી શ્રીકૃષ્ણની તો તેઓ શ્રીરાધાને ભગાડીને પણ લઇ જઇ શકતા જ હતાં જેવી રીતે તેને બીજી ૮ પટરાણીઓ અને ૧૬૧૦૦ રાણીઓ જોડે લગ્ન કરેલ હતાં, પરંતુ તેમના વિશુધ્ધ પ્રેમ પર કોઇ લાંછન લગાડવા માંગતા ન હતાં, અને તેના લીધે તેમની પાલક માતા તેની બહેન જોડેના બધા સંબંધો તોડી નાખે અને આ સંસારના લોકો કોઇ તેમના બન્નેના ઘર પર લાંછન લગાડે તે શ્રીકૃષ્ણને પસંદ ન હતું. મારા પાલક માતા-પિતાને હું કેવી રીતે દુ:ખી જોઇ શકું કે જેને હું મારા ઇશ્વર માનું છું? તેની ઉપર હું કેવી રીતે લાંછન લગાડી શકું? જેમને મને આ જીવનમાં પ્રેમનો મતલબ શિખવયો છે તે માતા યશોદા, પિતા નંદબાબા, શ્રીરાધા અને તેના માતા-પિતા જે બધાને હું કેવી રીતે દુ:ખી જોઇ શકું? જ્યારે શ્રીકૃષ્ણની માતા અને શ્રીરાધાના પિતાને ફક્ત એક જ ડર હતો કે જો તેઓ અંદરો-અંદર સંબંધમાં એકબીજાના લગ્ન કરી આપશે તો સમાજ શું વિચારશે? આમ જોઇએ તો આજે પણ આપણાં ધણાં બધા સમાજમાં અંદરો-અંદર એકબીજા સાથે સંબંધો નથી બાધતા કારણ કે કોઇ વખતે જો કંઇ બોલાચાલી થાય તો તેના જૂના સંબંધોમાં પણ પૂર્ણ વિરામ લાગી જાય. તો આજ થી પાંચ હજાર વર્ષ પૂર્વેનો સમાજ કેવો હશે? કેવી હશે તે સમાજની માન અને મર્યાદા?

જ્યારે શ્રીકૃષ્ણ પણ સમાજ માટે એક અદ્બૂત ઉદાહરણ આપવા માગ્તા હતા કે આપણે કોઇને પ્રેમ કરતાં હોય અને જો કોઇ કારણોથી આપણે તેની જોડે લગ્ન ન કરી શકી તો શું આપણો પ્રેમ હવામાં બાષ્પીભવન થઇ જાય? શું લગ્ન ન કરી તો આપણો પ્રેમ શું બીજી કોઇ વ્યક્તિ પાસે જતો રહે છે? શું આપણે કોઇને સાચો પ્રેમ કરતાં હોય અને તેની સાથે ભાગીને લગ્ન કરી તો જ પ્રેમ વ્યક્ત થઇ શકે? લગ્ન પછી પણ શું બે પ્રેમી એકબીજાને પ્રેમ કરી શકે? લગ્ન પછી પણ શું બે પ્રેમી સાચા મિત્ર બની એકબીજાને કેવી રીતે સહાયક બની કેવી રીતે એકબીજાને સંપૂર્ણ પુરૂષ કે સ્ત્રી બનાવી શકે? જ્યારે આજકાલના નવયુવાનો પોતાનો પ્રેમને મેળવવા પોતાના માતા-પિતાથી દુર ભાંગી જઇને લગ્ન કરી લે છે અને પછી થોડા સમય પછી વિચારે છે કે તેની સાથે જ આવૂં કેમ થાય છે તો તેનો જવાબ છે કે જે માતા-પિતા જ તમારા પ્રથમ ઇશ્વર છે તેને દુ:ખી કરીને અંતે તમે કેમ ખુશ રહી શકો? આવો શ્રીકૃષ્ણનો પ્રેમ-પ્રણય શ્રીરાધા સાથેનો અને તે પણ આવા ઉત્કટ ઉન્માદની ક્ષણોમાંથી પસાર થતો સમય ફક્ત અને ફક્ત ભારતીય સાહિત્ય સિવાય ક્યાંય મળી શકે છે?

આજે પણ લોકો શ્રીકૃષ્ણ વિવાહિત હોવા છતાં કોઇ રુકમણી-કૃષ્ણ નથી કહેતું. શ્રીકૃષ્ણના જીવનમાં જ્યાં સંગીત છે, જ્યાં નૃત્ય છે, જ્યાં રંગ છે ત્યાં બધે જ શ્રીરાધાનું હોવું અનિવાર્ય બની રહે છે. પ્રાચીન ગ્રંથોમાં શ્રીરાધાનો ઉલ્લેખ નથી એમ કહેનારાને ‘અહિં મેં તમને સુંદર પ્રતિ ઉત્તર પાઠવ્યો છે’, “હું માનું છું કે શ્રીરાધાનો ઉલ્લેખ ન હોવાનું મુખ્ય કારણ એટલું જ છે કે શ્રીરાધા તો શ્રીકૃષ્ણમાં એટલી એક અને લીન થઇ ગઇ હતી કે અલગ ઉલ્લેખની કોઇ જરૂર નથી. જે અલગ હતા, એમનો ઉલ્લેખ છે. જે અલગ ન હતી અને છાયાની માફક હતી, એના ઉલ્લેખની કોઇ જરૂર નથી. ઉલ્લેખ કરવા માટે પણ કોઇનું અલગ હોવું જરૂરી છે. રુકમણી અલગ છે. તે શ્રીકૃષ્ણને પ્રેમ કરતી હશે પરંતુ તે કૃષ્ણમય નથી. કૃષ્ણની સાથે એનો સંબંધ હોઇ શકે પરંતુ શ્રીકૃષ્ણ સાથે તેનો આત્મસાત નથી. સંબંધ તો એમના જ હોય છે, જે અલગ છે. શ્રીરાધાનો કોઇ સબંધ નથી શ્રીકૃષ્ણની સાથે, રાધા કૃષ્ણ છે. એટલા માટે જો એનો ઉલ્લેખ ન કર્યો હોય, તો હું માનું છું ન્યાયમુક્ત છે, ઉલ્લેખ ન કરવો જોઇએ.” છતાંય શ્રીરાધાનો ઉલ્લેખ કર્યા વિના શ્રીકૃષ્ણના અસ્તિત્વ વિશે વાત કરવી અઘરી થઇ પડે છે.

એક વખત દ્રૌપદી-એમની પરમ મિત્ર, સખી અને રુકમણી-એમની પત્ની, બંને સદેહે ત્યાં પહોંચી જાય છે, જ્યાં હિરણ્ય, કપિલા અને સરસ્વતી સમુદ્રમાં ભળે છે. પરંતુ શ્રીરાધા શ્રીકૃષ્ણની કલ્પનાથી ત્યાં ઉપસ્થિત થાય છે. શ્રીકૃષ્ણને એ જ શ્રીરાધા મળે છે, જેની એણે ગોકુળ છોડતી વખતે અંતિમ છબી પોતાના મનમાં અંકિત કરી હતી… શ્રીકૃષ્ણ તેને પોતાની સાથે ફરી દ્રારીકા પાછી લઇ જવાની જીદ પકડે છે. ત્યારે શ્રીરાધા એને પ્રતિઉત્તર આપે છે, “જો તું મારી પાસે જ રહેત તો મારી પૂર્ણતામાં રાચતો રહેત. કશું શોધવા, કશું પામવાનો કયારેય પણ તે પ્રયાસ જ ન કર્યો હતો. તારાં સઘળાં કાર્યો, તારી સઘળી પ્રવૃત્તિ મારી જ આસપાસ ગૂંથાયેલી રહેત! ને સાચું કહું તો તું આજે પણ જઇ જ શક્યો નથી. ગયો તો જરૂર પાછો ફરત. તું તો તારું સમગ્ર હોવું મારી પાસે મૂકીને નીકળી ગયો હતો…”

શ્રીકૃષ્ણ એને પોતાની અંદર ધબકતી શ્રીરાધાનું મહત્વ સમજાવતાં કહે છે કે, “આજ સુધી આપણે એક જ વર્તુળમાં ઘેરાઇને એકબીજાને માટે જીવતાં રહ્યાં. એકબીજાને ઝંખતાં રહ્યાં. મને પૂર્ણ પુરુષોત્તમ કહીને માથે બેસાડ્યો આ વિશ્વએ પરંતુ તું તે સંપૂર્ણ સ્ત્રી છે, જેણે મને પૂર્ણ પુરુષોત્તમ બનવા સુધીના આ માર્ગમાં સફળતાના શિખર પર પહોંચાડ્યો. તારા વિના મારું અસ્તિત્વ કલ્પી જ કેમ શકાય, રાધેય? મારી અંદર જે કંઇ સ્ત્રીત્વ છે, જે કંઇ નાજુક છે, એ બધું જ તું છે. મારી અંદર જે કંઇ શુદ્ધ છે, આધારભૂત છે, તિળયાનું છે, પાયાનું છે, એ બધું જ તું છે રાધેય! આ આખુંય ચણતર મારી અંદર વસતી શ્રીરાધાનાં સારતત્વો પર ચણાયું છે. તું યથાર્થ છે મારો. તું નિષ્કર્મ છે, મારા સમગ્ર જીવનનો. તું વૈશ્વિક રૂપ છે મારું. તું સૃષ્ટિમાં વહિરતી મારી એ ચેતના છે, જેણે મને આજ સુધી અસ્પ્રુશ્ય, અકબંધ, પરશિુદ્ધ જાળવી રાખ્યો છે.” આ વાત મને એટલા માટે વધુ સ્પર્શે છે, કારણ કે પ્રથમ પ્રેમ હંમેશાં અવિસ્મરણીય હોય છે! જો શ્રીરાધા પ્રથમ પ્રેમ હતી તો એ અવિસ્મરણીય જ રહી હશે શ્રીકૃષ્ણ માટે.

જ્યાં સુધી હું આ સંબંધને સમજી કે માણી શકુ છું ત્યાં સુધી એક વાત મારા મનમાં સ્પષ્ટ થઇ છે. સંબંધ પ્રણયનો હોય કે પરિણયનો, એમાં પ્રેમ હોવો જોઇએ. પ્રેમ વગરનો કોઇ પણ સંબંધ બહુ લાંબું જીવી શકતો નથી. વિશુદ્ધ પ્રેમ સાથે પાંગરેલો સંબંધ પોતે જીવે છે અને સંબંધમાં પ્રવેશીને બંને વ્યક્તિઓ માટે પ્રાણવાયુની ગરજ સારે છે. તેથી આજે પણ આપણે ખાલી કૃષ્ણ નથી કહેતાં પણ શ્રીકૃષ્ણ કહીં છીએ કેમકે શ્રી એટલે શ્રીલક્ષ્મી કે જે શ્રીવિષ્ણુની અર્ધાગિની છે. જ્યારે આપણે કોઇને ‘જય શ્રીકૃષ્ણ’ કહિં ત્યારે તેમાં પણ “રાધે કૃષ્ણ” છુપાયેલ છે અને આપણે જાણતાં અજાણતા પણ શ્રી રાધાને શ્રી કૃષ્ણની પહેલા સંબોધીએ છીએ અને સંબોધતા રહેશું.

શ્રી રાધાકૃષ્ણ ની જેમ તમને પણ તમારા રાધાકૃષ્ણ મળે, જેને તમે ઓળખો એવી અભ્યર્થના!!!

રાધેય! રાધેય!!!

#દિવ્યેશ_સંઘાણી
https://www.divyesh.in/